અંબાજીમાં ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો
અંબાજી ખાતે પ્રવાસન સચિવશ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો,પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રધામ અંબાજી ખાતે પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન માટે રચાયેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ સમીક્ષા બેઠકમાં પ્રવાસન સચિવશ્રી હારીત શુક્લાએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો વૈશ્વિક મહામારી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે ત્યારે શ્રધ્ધાળુઓ માટે આ મેળો યાદગાર બની રહે તેવા સુંદર પ્રયાસો કરીએ.
તેમણે કહ્યું કે, માઇભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અને ભાદરવી પૂનમના મેળાને આ વર્ષે વિશેષ બનાવવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. સચિવશ્રીએ ટ્રાફિક, પાર્કિગ, સાફ-સફાઇ અને સ્વચ્છતા વગેરે પર ભાર મુક્યો હતો. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી હતી.
મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મેળા દરમ્યાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.
બેઠકમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટરશ્રી રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ સમિતિના અધિકારીઓ સહિત રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.