Western Times News

Gujarati News

ભદ્રકાળી પરિસર દબાણ મામલે મધ્યઝોન એસ્ટેટ અધિકારી વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત

File

લાલ દરવાજા ભદ્ર પરિસરમાં દબાણો દૂર કરવા અંગે કાર્યવાહીની સૂચના છતાં પણ કામગીરી થતી નથી.

( પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના ભદ્રકાળી મંદિર પરિસરમાં ગેરકાયદેસર પાથરણા વાળાઓના કારણે રોડ પર દબાણ થાય છે. ગેરકાયદેસર પાથરણા વાળાઓને દૂર કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા વારંવાર તે અંગેની સૂચના આપવામાં આવે છે

છતાં પણ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ન કરવામાં આવતા ગુરુવારે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં મધ્ય ઝોનનાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જીનીયર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓની વિરુદ્ધમાં ઠપકા દરખાસ્ત લાવવામાં આવી છે અને તેમની નોકરીની સર્વિસ બુકમાં આ બાબતે નોંધ કરવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ અધિકારી સામે આ કાર્યવાહી ને સૌથી કડક અને શરમજનક માનવામાં આવે છે.

મ્યુનિસિપલ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું મુજબ કમિટીમાં લાલ દરવાજા ભદ્ર પરિસરમાં દબાણો દૂર કરવા અંગે કાર્યવાહીની સૂચના છતાં પણ કામગીરી થતી નથી. જેને લઇને કયા અધિકારીઓને કર્મચારીઓ વિરુદ્ધ તમે કાર્યવાહી કરી તે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ અને મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ચિંતન એન્જિનિયરને પૂછવામાં આવ્યું હતું છતાં પણ તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો હતો.

ભદ્ર પરિસરમાં દબાણો હજી યથાવત છે તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે ચિંતન એન્જિનિયરે કહ્યું હતું કે, અમે કાર્યવાહી કરીએ જ છીએ, ત્યારે કમિટીના સભ્યોની સાથે ત્યાં જઈ પરિસ્થિતિ જોવા જઈએ તેવું કહ્યું હતું. તે સમયે પણ બંને અધિકારીઓ ઘ્‌વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યા નહતા.તેથી તેમના વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત લાવવાની ફરજ પડી હતી.

મધ્યઝોન એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગમાં ડે.એસ્ટેટ અને ડે.ટી.ડી.ઓ.તરીકે ફરજ બજાવતા ચિંતન અમિતભાઈ એન્જિનિયરને તેઓની કાયદેસરની ફરજ બજાવવામાં દાખવેલી અવગણના બદલ તેઓને ઠપકો આપવાનું તથા આની નોંધ તેઓની સર્વિસ બુકમાં કરવાનું ઠરાવવા અંગેની દરખાસ્ત ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા મૂકવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસ અને ત્રણ દરવાજા પરિસર સુધીના પાથરણાં બજારમાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકો દબાણ કરી અને બેસે છે.

ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતા છેલ્લા અનેક સમયથી દરેક કમિટી દરમિયાન ભદ્ર પરિસરમાંથી દબાણો દૂર કરવા અંગેની ચર્ચા કરવામાં આવતી દબાણો દૂર કરવા સ્ટાફ ન હોવા અંગેની ફરિયાદ કરતા પરિસરમાં સાત અલગ અલગ ભાગ કરી સાતેય ઝોનના એસ્ટેટ વિભાગને વહેંચી દેવામાં આવ્યો હતો છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે દરખાસ્ત લાવવી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.