ભક્ત અને ભગવાનનો, સંબંધ મધુરો ગણાય, તેની શક્તિથી તેનુ કામ, તો હુફ મળતી જાય
કેવા ભક્તો પ્રભુને ગમે ?
ભક્ત એટલે જે ભગવાનથી વિભક્ત નથી તે. સૃષ્ટિ ઉત્પાદક જ્યારે સૃષ્ટિ માટે માનવ શરીર લઈ આવે તેને અવતાર કહેવાય, ને તે આવીને ધર્મ સંસ્થાપનાનુ કામ કરે તેમાં નીતીશાસ્ત્ર, રાજનીતીશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અને તત્વજ્ઞાન આ પાંચ ઓરડા પ્રકાશીત કરે એ તેવુ કાર્ય કરવામાં અવતાર કાર્યમાં જાેડાયેલો હોય તેને ભક્ત કહેવાય.
ભગવાનને અવતારો લઈને જે જે કાર્યો કર્યા નૈતિકમૂલ્યોને સ્થિર કર્યા તે માર્ગે જ નાની શક્તિથી પણ કામ કરતો રહે તેને ભક્ત કહેવાય. ‘મમ વર્તમાનુ વર્તતે મનુષ્યા પાર્થ સર્વસ’ જે મારા માર્ગે જ કામ કરે તે મારો ભક્ત છે તેમ પ્રભુ કહે છે. જેમ અર્જુન અને સુદામાં બંને ભક્ત થયા. તેમના કામોની ભીન્નતા છે.
છતાં ભગવાનના બંને લાડકા થયા. અર્જુન માથા કાપીને ભક્ત થયો છે, જ્યારે સુદામા માથા બદલીને ભક્ત થયો છે. બંનેે પોત પોતાની જગ્યા પર સાચા છે. અર્જુન રાજા હતો. તેનો ધર્મ નૈતિકમૂલ્યોને સ્થિર કરવા તે હતો અને જે લોકો સત્તાધીશો અને સંપત્તિમાનો પોતાની તે શક્તિથી તે મૂલ્યોને તોડી ફોડી પોતાની વાસના, કામનાઓ પોસતા હતા
જેવા કે નરકાસુર સોળ હજાર નવયુવાન સ્ત્રીઓને ભોગવવા પોતાના જનાન ખાનામાં રાખેલી, જરાસંઘે ૮૬ રાજાઓને ખંડીયા બનાવી પોતાના બંધારણ મુજબ શાસન નૈતિકમૂલ્યોથી વિરૂદ્ધ ચલાવવા ફરજ પાડેલી, શીશુપાળ પણ લંપટ હતો,
કંસ-દંતવક્ર જેવા એ રાજા સત્તા-સંપત્તિના કેફમાં મધાંત થયેલા, કહેવાતો કર્મકાંડી ધર્મ દેખાડનો ધર્મ તેમનામાં હતો પણ ધર્મના જે કાનૂન બંધારણમાંના સંયમ, નિયમ, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન તે મુજબના વર્તન ન હતા.
રાજાનો ધર્મ સંસ્કૃતિરક્ષણ, ધર્મરક્ષણ, વેદરક્ષણ અને તેનું કામ કરનાર બ્રાહ્મણ્યત્વને પીઠબળ આપવાનો હતો. તેવો ધર્મ છોડીને સત્તા-સંપત્તિના નશામાં તે મૂલ્યોને કચડી નાખેલા. આવા લોકોને ઉપદેશથી બદલી શકાતા નથી, તેમને ઉપદેશ લાગતો જ નથી. તે ન્યાયે શઠમ્? પ્રતિશાઠ્યમ કરી તે લોકોને મારી નાંખવા તે જ અર્જુનનો ક્ષત્રિય રાજા તરીકેનો ધર્મ થયો.
જેમ શરીરના ભાગ તરીકે પગમાં સડો થયો હોય તો બાકીના શરીરને બચાવવા પગને કાપવો તે ર્નિણય ધર્મ થાય તેવી જ રીતે ઉદંડ રાજાઓને, સમાજને બચાવવા માટે મારવા તે ધર્મ ગીતામાં અર્જુનને કૃષ્ણે કહ્યું. અર્જુન સ્વધર્મ કર્મ મુજબ સંસ્કૃતિ માટે ભગવાનનું હથિયાર બન્યો અને તેવા મધાંત રાજા જરાસંઘ, શીશુપાળ, દુર્યોધન, કંસ વિગેરેને મારીને માથા કાપીને ભક્ત થયો.
ભગવાને ગીતામાં કહ્યું ઈસ્ટ્રોસ્થી સ્મીમે સખાચેતી. હે અર્જુન તું મને ગમે છે. સામે સુદામા બ્રાહ્મણ હતા, ભક્ત હતા. તેમણે આમ જનતામાં ફરી ફરી ભાવ, પ્રેમ અને વિચારો આપી માનવ સમાજને ઈશ્વર સન્મુખ કર્યા માથાં બદલાવ્યા. શઠમ્? પ્રતિસત્યમ રીત અપનાવી. કારણ સત્તા શૂન્ય હતી.
લોકો તેથી તે રીતે પ્રભુના કાયદાઓને તેમના જીવનમાં સ્થિર કર્યા ને તે માટે સુદામાએ પોતાનું શરીર, મન, બુદ્ધિ અને વાણી બધું વાપર્યું. આ કામ કરી ભગવાન કૃષ્ણને જ્યારે મળવા ગયા તો ભગવાન તેમનું ભગવાનપણું ભૂલી ભાવવિભોર બની સામા ચાલી દરવાજેથી બાથમાં ઘાલી ઉપાડી લાવી તેમના પગ ધોઈ સાચા બ્રાહ્મણત્વનું પૂજન કર્યુ છે. અષ્ટ પટરાણીઓ પણ સેવામાં સામેલ થઈ છે, અને સુદામા પાસેથી સૌભાગ્યવતી ભવના આર્શીવાદ લીધા છે.
હવે આપણે શું કરવું જાેઈએ. આજના કાળમાં રાજાઓ નથી. આપણે પણ રાજા નથી. તો અર્જુનનું નહિ પણ સુદામાની જેમ આમ જનતા જાેડે જઈ ભાવ-પ્રેમ અને વિચારોથી દૈવી વિચારોની આપ-લે કરી ઘર ઘર ને ગામે ગામમાં ત્રિકાલ સંધ્યા, કુટુંબ પ્રાર્થના, ચિત્ત એકાગ્રતા, મૂર્તિપૂજા જેવા સંસ્કારો ઊભા કરી હું પ્રભુ પુત્ર છું તેવું ગૌરવ ઊભું કરવું.
જાેડે જાેડે પર સન્માન એટલે સામેનો પણ પ્રભુ પુત્ર છે તેથી તેનું સન્માન કરવું, બંનેનું લોહી લાલ પ્રભુ જ બનાવે છે, ખાધેલું પચાવે છે આ સમજે બધાનો પિતા લોહી બનાવનાર એક છે. તે નાતે ભાઈ ભાઈ સંબંધ બાંધવા સમાજમાં ફરવું, જેનાથી માણસોમાં તેજસ્વીતા, ભાવપૂર્ણતા, કૃતજ્ઞતા અને અસ્મિતા જેવા ગુણો ઊભા થાય.
તેનાથી વ્યક્તિ જીવન, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર જીવનમાં દૈવી ચેતના ભર્યા પ્રભુસંબંધોથી ભર્યા ભર્યા થાય. યંત્રવાદ, જડવાદ, શ્યામવાદ, ભોગવાદના કારણે તૂટતા કુટુંબો જાેડાય. મારું જીવન મારા માટે આ ભોગવાદ, મારું જીવન કોઈના માટે આમાં કુટુંબ આવે અને મારું જીવન ભગવાન માટે. તેમાં કાર્ય સમસ્ત માન સમાજ માટે થાય, વસુદેવ કુટુબકમ થાય અને તેવું કાર્ય કરવા સંઘ બનાવવો તેને યજ્ઞીય કાર્ય કહેવાય.
હું કરું તેમ નહિ, તું કર એમ નહિ, હું-તું નહિ આપણે કરીશું તે યજ્ઞ. તેમાં અહં વધે નહિ, સુવાળો બને. સંઘમાં પ્રભુકામ કરવું ને તે રીતે સમસ્ત માનવ જાતિને પ્રભુ સન્મુખ કરવાનો પ્રયત્ન દૈવી પ્રયત્ન છે. પ્રભુ પૂજાય છે તે માટે વાણી – બુદ્ધિ, શરીર, વિત્ત વાપરે તે ભક્ત છે અને આવી રીતે પ્રભુમાન્ય ઋષિ ચિંધ્યા માર્ગે કામ કરનાર ભક્તો પ્રભુને જરૂર ગમશે.