કંસને પ્રભુમાં પોતાનું મોત અને ગોપીઓને કૃષ્ણમાં પોતાનો પ્રેમના દર્શન થાય છે

ગોધરામાં શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહની પૂર્ણાહુતિ
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા ખાતે અવતાર ધારણ કરેલ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી રંગ અવધૂત પરિવાર ગોધરા દ્વારા ૧૫ એપ્રિલ થી ૨૧ એપ્રિલ સુધી શ્રી ગોધરા બ્રાહ્મણ પંચની વાડી,તળાવ રોડ ખાતે બપોરના ત્રણ થી છ દરમ્યાન શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ. તારાબેન રમેશચંદ્ર વ્યાસ પરિવારની દીકરીઓ અંજનાબેન પાઠક, કાશ્મીરાબેન પાઠક તથા પ્રજ્ઞાબેન રાવલ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
કથાના વક્તા તરીકે પોરવાળા સંજયભાઈ ઉપાધ્યાય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે વિયોગથી ધ્યાન થાય અને ધ્યાનથી જીવનમાં પ્રભુમાં તન્મયતા આવે, અત્ર તત્ર સર્વત્ર પ્રભુનો વાસ છે. કૃષ્ણ એટલે પોતાની તરફ ખેંચનારો, જગતમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. કુબ્જા ને પ્રભુ કૃપાથી સુંદરતા પ્રાપ્ત થઈ માટે જ કહેવાય છે કે પ્રભુના દર્શન ક્યારે વ્યર્થ જતા નથી.
યોગીઓને ભગવાનમાં પરમાત્મા, કંસને પ્રભુમાં પોતાનું મોત, ગોપીઓને કૃષ્ણમાં પોતાનો પ્રેમ તથા ભક્તોને પ્રભુમાં પોતાના ઇષ્ટદેવના દર્શન થાય છે. સાચો વૈષ્ણવ ક્યારેય કોઈનાથી ગભરાતો નથી. સદવિચારોનું ચિંતન કરવું જોઈએ. કોઈના ભાગનું ખાઈ જવાથી કે લઈ લેવાથી જીવનમાં દરિદ્રતા આવે છે. પ્રભુ નામનો મહિમા સમજાવતા ભાગવતકાર સંજયભાઈ ઉપાધ્યાય એ જણાવ્યું કે કૃપાત્રને આપેલું દાન એકવાર નિરર્થક જશે
પરંતુ જીવનમાં લીધેલું પ્રભુનું નામ કે સ્મરણ ક્યારેય વ્યર્થ નહીં જાય. ધર્મની સ્થાપના, વિશ્વ કલ્યાણના કાર્યો, ભક્તિનો પ્રચાર પ્રસાર કે વૃદ્ધિ કરવી એ જ કૃષ્ણ જીવનનો હેતુ છે.
શાસ્ત્રો અનુસાર ઇન્દ્રિઓના દરેક દ્વાર પર કાબુ આવી જાય ત્યારે જ લગ્ન કરવા જોઈએ. સપ્તાહ દરમિયાન રામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા અન્નકૂટ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉપસ્થિત રંગ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. સપ્તાહ દરમિયાન રામજી મંદિર ગોધરાના મહંત ઇન્દ્રજીત મહારાજ, સમસ્ત ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, ગોધરા સોની સમાજના પ્રમુખ વસંતભાઈ ભગત તથા
ચોર્યાસી બ્રાહ્મણ પંચ ગોધરા ના પ્રમુખ સતિષભાઈ વ્યાસનું આ પ્રસંગે કાશ્મીરાબેન પાઠક તથા અંજનાબેન પાઠક દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.ભાગવત સપ્તાહ નું સફળ સંચાલન અવધૂત પરિવારના ધર્મેન્દ્રભાઈ સોની, અમિતભાઈ સોની, તથા ભરતભાઈ મહેતાએ કર્યું હતું.