Western Times News

Gujarati News

રણબીર-આલિયા અને વિકી સાથે ભણસાલીએ ફિલ્મની તૈયારી શરૂ કરી

મુંબઈ, આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલો વહેતા થયેલા કે સંજય લીલા ભણસાલી તેમની ૧૦મી ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે, પ્રેમ અને યુદ્ધની આ કથામાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ હશે. ત્યાર બાદ ભણસાલીએ પોતા પણ ક્રિસમસ ૨૦૨૫ માટે આ ફિલ્મની જાહેરાત કરી હતી.

હવે આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંજય લીલા ભણસાલી જિયો સ્ટુડિઓ સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે, જે એક યુદ્ધ કથા છે. એક સૂત્રએ જણાવ્યું છે કે, “સંજય લીલા ભણસાલીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંથી આ એક છે.

હાલ ફિલ્મનું પ્રી પ્રોડ઼ક્શનનું કામ ચાલુ છે. તેઓ મ્યુઝિકનું કામ પૂરું કરી ચૂક્યા છે અને રણબીર, આલિયા અને વિક્કી સાથે સ્ક્રિપ્ટ રિડીંગના સેશન પણ શરૂ થઈ ચૂક્યા છે. જોકે, ભણસાલીની આ ફિલ્મ ઐતિહાસિક ફિલ્મ નહીં હોય. તેઓ પોતાની અનોખી શૈલીમાં ઇન્ટેન્સ રોમાન્સ દર્શાવવા ઉત્સુક છે.” ૨૦૨૪નાં અંતમાં આ ફિલ્મનું શૂટ શરૂ થઈ જશે. સૂત્રના જણાવ્યા અનુસાર, “એવી શક્યતા છે, રણબીર સાથે પહેલાં થોડું કામ પુરું કરી લેવાય.

પછી નવેમ્બરમાં બાકીનું શૂટ શરૂ થાય. બધાં જ કલાકારોએ ભણસાલીને જથ્થાબંધ દિવસો ફાળવી દીધા છે કારણ કે તેઓ બધા જ કલાકારો સાથે મળીને એકસાથે લગભગ ૨૫૦ દિવસનું શિડ્યુલ ગોઠવવા વિચારે છે. આ પહેલાં આલિયા વાયઆરએફ સ્પાય યુનિવર્સનું કામ પૂરું કરશે, તેમજ રણબીર અને વિકી રામાયણના પહેલા ભાગનું કામ પૂરું કરશે અને વિકી છાવાનું કામ પણ પૂરું કરી દેશે.”

આ ફિલ્મનું બધું જ શૂટ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં પૂરું થઈ જશે. ભણસાલી તેમની ફિલ્મોને સૌથી સુંદર રીતે દર્શાવવા માટે જાણીતા છે. ત્યારે જો આ તેમનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કહેવાતો હોય તો તેઓ જિયો સ્ટુડિયોઝ સાથે મળીને ક્યારેય જોવા ન મળી હોય તેવી લવસ્ટોરી બનાવવાનું વિચારે છે.

સૂત્રના જણાવ્યા અનુસાર,“આ પણ તેમની અન્ય ફિલ્મોની જેમ મહાકાય બજેટ સાથેની ફિલ્મ છે, જે જોવી એ દર્શકો માટે એક અનુભવ હશે. તો દર્શકો ઇન્ટેન્સ રોમાન્સની સ્ટોરી રંગો, સંગીત, ડ્રામા, એક્શન અને લાગણીઓથી ભરપુર હોવાની તૈયારીમાં રહે.

જિયો સ્ટુડિયોઝ પણ અત્યાર સુધીની સૌથી વૈભવી ફિલ્મ બનાવવાની ગણતરીમાં છે, તેથી તેમણે ભણસાલી સાથે ઘણી મોટી ડીલ સાઈન કરી છે. દરેક માટે આ એક ઉદાહરણરૂપ પ્રોજેક્ટ છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.