સેવા, સંસ્કાર અને સમર્પણનાં 50 વર્ષની ઉજવણી કરી રહી છે ભારત વિકાસ પરિષદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/CM-BVP-1024x575.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો
સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સંસ્થાના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા
-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે
- ભારત વિકાસ પરિષદ સેવા અને સમર્પણ ભાવ દ્વારા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કાર વિસ્તારી રહી છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓને સમાજસેવા ક્ષેત્રે તેમના યોગદાન બદલ સન્માનિત કર્યાં હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિત પ્રથમની ભાવના પ્રબળ બની છે. સેવા અને સમર્પણના ભાવ દ્વારા ઉન્નત સમાજ થકી વિકસિત રાષ્ટ્રના નિર્માણની ભાવના આજે સાકાર થઈ રહી છે.
આ અંગે વાત કરતાં શ્રી પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધ્યું છે. સેવાભાવ, સંસ્કાર અને સેવાદાયિત્વથી પણ રાજકારણ કરી શકાય એ તેમણે સાબિત કર્યું છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. સેવા અને સમર્પણભાવ થકી આજે સંસ્કૃતિ અને વિરાસતનું જતન થઈ રહ્યું છે. તેના દ્વારા વિકસિત અને વૈભવશાળી ભારતના નિર્માણનો પાયો નંખાઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભારત વિકાસ પરિષદના યોગદાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાઓ સરકાર અને વહીવટી તંત્રને પૂરક બનીને સમાજના દરેક વર્ગને આગળ લાવીને આગવી સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠાનાં દર્શન કરાવી રહી છે. અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન થકી આ સંસ્થા સમાજસેવા અને રાષ્ટ્રહિતના સંસ્કારોને વિસ્તારી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મહાકુંભના શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશ-વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા મહાકુંભમાં આવે છે. મહાકુંભ થકી સમગ્ર ભારતવર્ષ દુનિયામાં આગવી એકતા, અસ્મિતા અને ગૌરવનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો કાર્યમંત્ર સિદ્ધ થઈ રહ્યો છે.
શ્રી પટેલે ઉમેર્યું કે ૨૦૨૫નું વર્ષ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી, અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મ જયંતીનું વર્ષ તેમજ બંધારણના અમૃત ઉત્સવની ઉજવણી કરવાનું વર્ષ છે. આથી આ વર્ષને દેશના ગૌરવને ઉજાગર કરવાના વર્ષ તરીકે ઉજવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે.
સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘યહી સમય હે, સહી સમય હે’ સૂત્રને દોહરાવીને રાષ્ટ્રહિત પ્રથમ અને વિશ્વ બંધુત્વની ભાવના સાથે સૌને સ્વર્ણિમ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સુનીલ ખેડાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં કાર્યકર્તાઓના આ સંગમને મહાકુંભના સંગમ સાથે સરખાવ્યો હતો. તેમણે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સંસ્થાના કાર્યકર્તાઓના યોગદાનને મૂલવ્યું હતું તેમજ સમાજના ઉત્થાન માટે વિવિધ ક્ષેત્રે સંસ્થા દ્વારા કરવામાં આવેલાં કાર્યોની આંકડાકીય માહિતી પણ પૂરી પાડી હતી. ભારત વિકાસ પરિષદના મધ્ય પ્રાંતના પ્રમુખ શ્રી ફાલ્ગુનભાઈ વોરાએ સ્વાગત પ્રવચન કરતાં સૌને આવકાર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિકાસ પરિષદ સમાજના જુદાં જુદાં ક્ષેત્રોમાં કાર્યરત લોકોનું સંગઠન છે, જે ભારતીય સમાજના વિકાસ માટે નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો થકી સમાજોત્થાનનાં કાર્યો કરે છે.
ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રી, ગુજરાતમાં ભારત વિકાસ પરિષદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટીશ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ શાહ તેમજ કાર્યક્રમના મુખ્ય સંયોજક અને ઉત્તર પ્રાંતના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઠક્કર, અ.મ્યુ.કોના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, ભારત વિકાસ પરિષદ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.