ડ્રગ કેસમાં બોલીવુડના કોમેડિયન પતિ પત્નિ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

એનસીબીએ કોર્ટમાં ૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી
નવી મુંબઇ, ડ્રગ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. માહિતી સામે આવી રહી છે કે એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દંપતી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એનસીબીએ દરેક પાસાઓની તપાસ કરી હતી અને આ દરમિયાન ડ્રગસનો એંગલ પણ બહાર આવ્યો હતો, જે બાદ ઘણા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. તેમાંથી એક કોમેડિયન ભારતી સિંહ હતી.
ડ્રગ્સ કેસમાં જ્યારે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાનું નામ સામે આવ્યું ત્યારે બધાં દંગ રહી ગયા. એનસીબીએ કોમેડિયનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન ટીમને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું, ત્યારબાદ હર્ષ અને ભારતી બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જાેકે, સિક્યોરિટી મની જમા કરાવ્યા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતી અને હર્ષને જામીન આપ્યા હતા.
નવા અપડેટ મુજબ, એનસીબીએ કોર્ટમાં બંને વિરુદ્ધ ૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, તે સમયે એનસીબીએ દાવો કર્યો હતો કે ફરિયાદને સાંભળ્યા વિના જ જામીન આપવામાં આવ્યા હતા.