ભરૂચમાં નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં હાથફેરો કરનાર બે ને પોલીસે દબોચ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ૮ તોલા સોનાના દાગીના,ચાંદી તથા રોકડા સવા બે લાખની મતા ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી.
આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ.વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાસ હાથધરી હતી.
જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુરખાધ કુશવાહા ઉંમર વર્ષ ૨૧ હાલ રહે.ગોલ્ડન શોપિંગ મલ્લા તલાવડી આમોદનો મૂળ રહે.વાટા ફળિયું આમોદ અને મિન્હાઝ સિંધાને ઝડપી પાડ્યા હતા આ મામલે પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો ૨.૭૪ લાખનો મુદામાલ રિકવર કર્યો હતો. જોકે આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જણાવા મળી હતી.
જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાહાએ એક વર્ષ અગાઉ મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા સુપર સ્ટાર શાહરુખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યોરિટી તોડીને ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાં તેને ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.