ભરૂચ જીલ્લાની ત્રણ બેઠકો ઉપરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ શુક્રવારના રોજ ભરૂચ જીલ્લાની ત્રણ બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યા હતા.જેમાં વાગરા,અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આગામી તા.૧ લી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૪ નવેમ્બર છે ત્યારે ૧૧ નવેમ્બર શુક્રવાર ના રોજ ત્રણ બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.જેમાં વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી
અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા.તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતા અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું.તેઓ સાથે ભરતસિંહ પરમાર,ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી,મહામંત્રી ફતેસિંહ ગોહિલ સહિતના ભાજપાના આગેવાનો જાેડાયા હતા.
તો અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું.ઢોલ નગારા સાથે તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. તાલુકાના પ્રભારી દિવ્યેશભાઈ પટેલ, નગરસેવક સંદીપભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ, પાલિકા પ્રમુખ તેમજ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
તો જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામી એ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.સંત સમુદાય તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, મહામંત્રી નિરલભાઈ પટેલ સહિત સમર્થકોની હાજરીમાં તેઓએ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.