સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ભરૂચ ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી
વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જીલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સહ સંભવિત ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધિત યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં અનેક અટકળો વહેતી થઈ
(પ્રતિનિધિ)ભરૂચ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.તેવામાં પોતાની ઉમેદવારી કરવા લોકોએ તૈયારી બતાવી છે
ત્યારે ભરૂચ જીલ્લા ભાજપના લેટર પેડ ઉપર કોઈ જવાબદાર હોદ્દેદારની સહી વિના જંબુસર અને વાગરા વિધાનસભા મત વિસ્તાર માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ઉદ્દેશીને સહ સંભવિત ટિકિટ માટે ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોની યાદી હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.
જેમાં ૧૫૦ જંબુસર વિધાનસભા માટે (૧) છત્રસિંહ પૂજાભાઈ મોરી (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય) (૨) કિરણસિંહ લક્ષ્મણભાઈ મકવાણા (પૂર્વ ધારાસભ્ય) (૩) બળવંતસિંહ દોલતસિંહ પઢીયાર (જંબુસર તાલુકા મંડલ મહામંત્રી) (૪) દેવ કિશોર સ્વામી (સક્રિય કાર્યકર્તા સંત નાહિયેર ગુરૂકુલ) સહ સંભવિત નામો સૂચિત કરવામાં આવ્યા છે. તેવીજ રીતે ૧૫૧ વાગરા વિધાનસભા માટે
(૧) અરૂણસિંહ અજીતસિંહ રણા (ધારાસભ્ય વાગરા વિધાનસભા) (૨) ફતેસિંહ મેલાભાઈ ગોહિલ (ભરૂચ જીલ્લા સંગઠન મહામંત્રી) (૩) ધીરજભાઈ મોહનભાઈ ગોહિલ (પૂર્વ જી.પં.બાંધકામ સમિતિ ચેરમેન) (૪) જીતેન્દ્રસિંહ ઉર્ફે સંજયસિંહ ચાવડા (અધ્યક્ષ કારોબારી સમિતિ વાગરા તા.પં) (૫) નકુલદેવસિંહ એચ.રણા (જીલ્લા કારોબારી સભ્ય) સહ સંભવિત નામો સૂચિત કરવામાં આવેલા નામો લખેલી યાદી હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અનેક અટકળો સાથે અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે.
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં જે યાદી વાયરલ થઈ રહી છે તે ખોટી છે અને આવી કોઈ ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી નથી.જેથી કોઈએ આ યાદી ઉપર ધ્યાન દોરવું નહિ.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ભાજપના સહ સંભવિત ઉમેદવારોની યાદીને પગલે લોકમુખે ચાલતી ચર્ચા પ્રમાણે ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર તરીકે છત્રસિંહ મોરી હતા જેની સામે કોંગ્રેસના સંજય સોલંકી તો અપક્ષ ઉમેદવાર તરીકે ખુમાનસિંહ વાંસિયાએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.
જેમાં બીજેપીનો પરાજય થતાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ગત ચૂંટણીમાં બીજેપીને હરાવવા અનેક મોટા માથાઓ મેદાને પડ્યા હતા.
ત્યારે આવું જ પુનરાવર્તન વર્ષ ૨૦૨૨ની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ પૈકી એક નામ પસંદગી થાય તો અનેક અટકળો વાદ વિવાદો વચ્ચે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે.ત્યારે ટૂંકમાં બીજેપી જ બીજેપીને હરાવવા મેદાને પડશે તેમ ચર્ચાય રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આ બંને બેઠકો ભાજપ અને કોંગ્રેસ માટે જીતવી જરુરી બની છે.ત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ ભાજપના ઉમેવદરોની આ યાદી પક્ષને નુકશાન કરી શકે છે.