ભરૂચની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો મિત્રે જ આરી વડે મિત્રના નવ ટુકડા કર્યા

ભરૂચ, ભરૂચની કાંસની ગટરમાંથી મળેલા અજાણ્યા પુરૂષના અંગોમાં મૃતકની ઓળખ થયા બાદ પોલીસે હત્યારાને પણ ઝડપી પાડ્યો છે.
મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની મળેલી કડીઓના આધારે મિત્રનું ખૂન કરી શરીરના નવ કટકા કરનાર આરોપીને ઉત્તરપ્રદેશના બીઝનૌરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.ભરૂચ શહેરમાં દુધધારા ડેરી નજીક એબીસી કંપની જવાના રસ્તાની બાજુમાં ૨૯ માર્ચે ગટરમાંથી શ્વાન કોઇ અજાણ્યા પુરૂષનું માથુ ખેંચી લાવ્યું હતું.
બીજે દિવસે ભરૂચ જીઆઈડીસીની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી માનવ અંગો મળી આવ્યા હતા. હાથના ટેટુ તથા અન્ય નિશાનો આધારે મરણજનાર સચીન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સચીન ચૌહાણ ૨૪ માર્ચથી મિસીંગ હોવાનું જણાતા તેના મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થઈ હતી.શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી એલસીબી પીએસઆઈ આર.કે.ટોરાણીની ટીમે ઉત્તરપ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી.
શકમંદ યુપીના બીઝનૌર ખાતેથી મળી આવ્યો હતો.આરોપી શૈલેન્દ્રને ભરૂચ લાવી વધુ પુછપરછ હાથ ધરાતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચીને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી.
હત્યારા શૈલેન્દ્ર ચૌહાણે સચીનના નામે પોતે લોન પણ લીધી હતી. જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભાજોડી થતી રહેતી.સચિનના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા ડીલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. શૈલેન્દ્રએ સચીનને ૨૪ માર્ચે તેના ઘરે જમવા બોલાવ્યો હતો.
બન્ને રાતે સુઈ ગયા બાદ સચીનનો મોબાઈલ મેળવી આરોપીએ તેમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડીલીટ કરવાનો પ્રયાસ કર્યાે હતો. જોકે સચીન જાગી જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
સચીનને પહેલા ગળે છરી મારી હત્યા કરાઈ. બાદમાં શૈલેન્દ્રએ ખરીદેલી આરીથી સચીનની લાશના અલગ અલગ ૯ ટુકડા કર્યા. પોતે પકડાઈ જાય નહીં અને પોલીસને ગુમરાહ કરવા આરોપીએ સ્ત્રી વેશ ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો હતો.સચીન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મીત્ર હતો. બન્ને ભરૂચ ખાતે ૧૦ વર્ષથી રહેતા હતા.
દહેજની અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. હત્યા બાદ સચીનના પરીવારને ગુમરાહ કરવા માટે સચીનના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા પણ હતા. સચીનનો ફોન ચાલુ કરી મેસેજ વડે સચીનની પત્ની તથા તેના પરીવાર સાથે મેસેજથી વાત કરતો રહેતો.
જેથી એવુ લાગે કે સચીન જીવિત છે અને કોઇ કારણસર ઘરેથી ચાલ્યો ગયો. સગા સબંધીઓ સચીનની શોધખોળ માટે ભરૂચ આવ્યા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે જોડાઇ ગયો. સચીન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયો.SS1MS