Western Times News

Gujarati News

રેસ્ટોરન્ટ ઉપર છૂટી બાટલીઓ મારવાના મામલે ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

પ્રતિકાત્મક

પાનના ગલ્લા વાળાને કાચની બોટલો મારતા બેને માથામાં ઈજા પહોંચતા સારવાર હેઠળ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં કોલેજ રોડ ઉપર આખી રાત રેસ્ટોરન્ટો ધમધમી રહ્યા છે.જેમાં ગતરોજ રાત્રીએ ભાજપના હોદ્દેદારે તેના મળતીયાઓ સાથે મારામારી કરતા બે લોકોને છૂટી કાચની બોટલો મારી દેતા બે લોકોના માથામાં ઈજા થતા લોહી લુહાણ અવસ્થામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે ઈજાગ્રસ્તોનાં નિવેદનના આધારે વીડિયોમાં દેખાતા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ઈજાગ્રસ્ત ફરિયાદી પ્રદીપભાઈ કલવાણી કે જેઓ પાનની દુકાન રેસ્ટોરન્ટ નજીક ઘરાવે છે તેઓએ આક્ષેપ કર્યો છે કે અમો સાથે અન્ય એક ઈજાગ્રસ્ત હસમુખ રાવળ અને વિપુલ બારીયા ત્રણેય જણા પાનના ગલ્લા ઉપર હાજર હતા તે વખતે દ્વારકાશી હોટલના ર્પાકિંગમાં આશરે રાત્રીના સમયે ૧૨ થી ૧૪ લોકોનું ટોળું ધસી આવ્યું હતું.

જેમાં હસમુખભાઈ ઝઘડો અટકાવવાના પ્રયાસ કર્યા હતા.પરંતુ ઉશ્કેરાયેલા ટોળા માંથી ફરિયાદીને લાફો મારી દીધેલ અને પાછળથી અન્ય લોકોએ પણ મારમારી શરુ કરી હતી.જેમાં પ્રજ્ઞેશ પટેલ,જય ચૌહાણ પણ આવી ગયેલ દરમ્યાન તે વખતે પ્રજ્ઞેશ પટેલ અને જય ચૌહાણ પણ આવી ગયા હતા અને નજીકમાં રહેલી સોડાની બોટલ છૂટી મારવા લાગેલ

જેમાં કાચની બે બોટલ હસમુખભાઈ અને ફરિયાદીને વાગતા માથામાં ચામડી ફાટી લોહીના ફુવારા ઉડતા લોહીથી લથપત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ટોળાએ ગળું દબાવી ઝાડ પાસે ખેંચી લઈ જઈ હત્યા કરવાના પ્રયાસ પણ કર્યો હોય તેવો વિડીયો સ્થાનિકો એ કેદ કરી વાયરલ કર્યો હોય

જેથી હુમલાખોર પ્રજ્ઞેશ પટેલ,જય ચૌહાણ,કરણ પાટણવાડીયા તથા બીજા બાર જેટલા ઈસમો કે જેમના નામ ઠામની ખબર નથી પરંતુ વીડિયોમાં દેખાઈ રહ્યા હોય તેમની સામે કારયદેસરની કાર્યવાહી કરવાની ફરિયાદ આપતા ભરૂચ સી ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે બીએનએસ ૧૦૯ (૧),૧૨૫ (બી),૧૮૯ (૨),૧૯૧ (૨),૩૨૪ (૨),૧૯૦,૧૧૫ (૨),૩૫૧ (૩),૩૫૨ મુજબ ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા હુમલાખોરોની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ભરૂચમાં રેસ્ટોરન્ટ ઉપર ભાજપ યુવા મોરચના શહેર ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલની દબંગગીરીનો વિડીયો વાયરલ થયો છે.જેમાં તે કાચની બોટલો રેસ્ટોરન્ટ સંચાલક અને પાનના ગલ્લા વાળાને છૂટી મારી માથા ફોડી નાંખ્યા હોય અને અન્ય લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કર્યું હોય તેવા વિડીયો સામે આવતા ભાજપની સંસ્કારી પાર્ટીના સંસ્કારોના લીરેલીરા ઉડાવી રહ્યા હોય ત્યારે ભાજપના જીલ્લા પ્રમુખ આવા હુમલાખોરોને સસ્પેન્ડ કરશે ખરા? તેમ ચર્ચાઈ રહ્યું છે.

ભરૂચમાં જો સત્તા પક્ષમાં પદ મળી જાય તો તમે રાજા બની જાઉં આવો જ નશો પ્રજ્ઞેશ પટેલને હતો.જેને અગાઉ ગણપતિ ઉત્સવમાં શોભાયાત્રા દરમ્યાન મહિલા પીઆઈ,પીએસઆઈ એ ટ્રાફિક નિયંત્રણ કરવાના ભાગરૂપે ટોક્યો હતો અને પ્રજ્ઞેશ પટેલ ઉશ્કેરાયો હતો અને પોલીસ માફી માંગે તેવી જીદે ચઢ્યો હતો અને પોલીસે પણ તહેવારને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મામલાને થાળે પાડયો હતો અને પોલીસ પણ પક્ષનો હોદ્દેદાર હોવાના કારણે નમી ગઈ હતી.પરંતુ પક્ષમાં આવા નેતાઓને પદ આપવા કેટલા યોગ્ય છે તેવા પ્રશ્નો લોકોમાં ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.