દહેજથી સાયખા કેમિકલ ભરીને જતું ટેન્કર પલટ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરા તાલુકાના સારણ-સાયખા માર્ગ પર રાત્રીના સમયે રાજસ્થાન પાર્સગનું એક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી.તો બે ક્રેનની મદદથી ટેન્કર ને ઉભું કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં વિવિધ જીઆઈડીસીઓમાં વિવિધક્ષેત્રે કંપનીઓ ધમધમી રહી છે અને કંપનીઓમાં આવતા ભારે મશીનરો અને કેમિકલ વહન કરવા ટ્રાસન્પોર્ટની જરૂર ઉભી થતી હોય છે.ત્યારે વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીની શિવા ફાર્મા કંપની માંથી ગુરુવારની રાત્રીના સમયે રાજસ્થાન પાર્સીગનું ટેન્કર નંબર આરજે ૦૯ જીએ ૫૬૬૮ માં થિયોનાઈલ ક્લોરાઈડ નામનું કેમિકલ ભરીને સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું.
તે દરમ્યાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થઈ રહ્યું હતું.તે દરમ્યાન અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. અકસ્માતને પગલે ટેન્કર માંથી કેમિકલ લિકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભિતી સેવાતાં એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
તો ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી.ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી જવા સાથે કંપનીના સત્તાધીશો પણ દોડી આવ્યા હતા અને પલ્ટી ખાઈ ગયેલ ટેન્કરને ઉભું કરવા માટે બે ક્રેન તેમજ એક જેસીબી મશીનની મદદ લઈ ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું અને સાલમત જણાતાં ટેન્કરને રવાના કરવામાં આવ્યું હતું.