ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વએ ભવ્ય કલાત્મક તાજીયાઓ સાથે જુલુસ એકત્ર થયા
ખોજા શિયા ઈશનાઅશરી જમાત દ્વારા કરબલાના મહાન શહીદ ઈમામ હુસેન અલયહિસ્સલામની યાદમાં શોક વ્યક્ત કરવામાં આવ્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઈસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે.મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઈમામ હુસેન (અલયહિસ્સલામ ) અને આપના ૭૨ સાથીઓ ઈસ્લામ માટે સચ્ચાઈ,સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા.
જેની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે અને કલાત્મક તાજીયાઓ તૈયાર કરી ભવ્ય જુલુસ નીકળે છે જે ભરૂચના પર બજાર ખાતે પણ મોટી માત્રામાં કલાત્મક તાજીયાઓ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
૨૦મી જુલાઈથી મહોરમ માસનો પ્રારંભ થયો હતો. મોહરમ મહિનાની ૧૦મી તારીખે હઝરત ઈમામ હુસૈન (અલયહિસ્સલામ)ની શહાદત થઈ હતી.જેના કારણે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઈમામ હુસૈન (અલયહિસ્સલામ)ની શહાદતને વિશેષ યાદ કરે છે.ભલે મોહરમ ઇસ્લામિક હીજરીનો પ્રથમ મહિનો છે અને નવા વર્ષની શરૂઆત છે.
પરંતુ આ આખો માસ હઝરત ઇમામ હુસૈન (અલયહિસ્સલામ)ની શહાદતની યાદમાં હઝરત ઈમામ હુસૈન (અલયહિસ્સલામ ને ચાહનાર લોકો ખુબ જ ગમગીન રહે છે અને વાકયે કરબલા એટલે કરબલાની ઈતિહાસ અંગે ખાસ વજ એટલે કથનનું આયોજન કરવામાં આવે છે.શિયા મુસ્લિમો ૨ મહિના ૮ દિવસ સુધી કાળા કપડા પેહરીને શોક વ્યક્ત કરે છે.૧૦ મોહરમે તાજીયાનો જુલુસ નીકળે છે.
કરબલાનો મેદાન જ્યાં ઈમામ હુસેન (અલયહિસ્સલામ) શહીદ થયા એટલે કે, આજનો સીરિયા જ્યાં ૧૪૦૦ વર્ષ પહેલા યજિદ ઇસ્લામનો જાેર જબરજસ્તીથી ખલીફા બન્યો હતો.તે પોતાની સલ્તનત જુલ્મથી ફેલાવવા માંગતો હતો.યઝીદ માત્ર નામનો મુસ્લિમ હતો તેના અકીદા અને તેની રેહણી કરણી ઇસ્લામી શરીઅતની વિરુધ્ધમાં હતી
જેના માટે મોટો પડકાર ઈમામ હુસેન (અલયહિસ્સલામ) હતા.જેઓ ઈસ્લામને અનુસરનાર શરીઅતના કિલા સમાન અને ન્યાય પ્રીય રસુલલ્લાહના પ્યારા નવાસા (દોહિત્રી) હતા.જેઓ યજીદના વિરોધમાં હતા. યજિદના અત્યાચાર વધવા લાગ્યા હતા અને કુફાથી આપને મદદ માટે પત્રો લખવામાં આવતા હતા અને આપને કુફા મદદ માટે આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આવી સ્થિતિમાં હઝરત ઇમામ હુસેન (અલયહિસ્સલામ) આપના પરિવાર અને સાથીદારો સાથે,મદિનાથી ઇરાકના કુફા શહેર તરફ જવાનું સફર શરૂ કર્યું, પરંતુ માર્ગમાં યજિદની સેનાએ ઈમામ હુસેન (અલયહિસ્સલામ)ના કાફલાને કરબલાના રણ પર રોક્યો હતો.
તે ૨ મુહર્રમનો દિવસ હતો, જ્યારે ઈમામ હુસેન (અલયહિસ્સલામ)નો કાફલો કરબલાના ગરમ રણમાં રોકાયો હતો. ત્યાં પાણીનો એકમાત્ર સ્રોત નેહરે ફુરાત હતી, જેના પર યઝીદની સેનાએ ઈમામ હુસેન (અલયહિસ્સલામ)ના કાફલા માટે પાણી માટે પ્રતિબંધ મૂક્યો હતો.
આ હોવા છતાં, ઈમામ હુસેન અલયહિસ્સલામ ઝુક્યા નહીં.યજિદના પ્રતિનિધિઓ દ્વારા ઈમામ હુસેન (અલયહિસ્સલામ)ને નમાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો અને અંતે યુદ્ધની ઘોષણા થઈ. ઇતિહાસ કહે છે કે ઈમામ હુસેન (અલયહિસ્સલામ) ના કાફલામાં ૭૨ લોકો હતા
જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા જે યઝીદી સેનાના ૮૦,૦૦૦ લોકો સામે લડ્યા હતા અને તેઓ પોતાના સાથીઓ સાથે શહીદ થયા હતા ત્યાર બાદ ઈમામ હુસેન અલયહિસ્સલામના પરિવારને કેદ કરી ઝુલ્મ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેર અને જીલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ બિરાદરોએ મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજીયાઓ તૈયાર કર્યા હતા તાજીયા સાથે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજયાઓ સાથે ભરૂચના કતોપોર બજાર સ્થિત કલાત્મક તાજ્યાઓ સાથે એકત્ર થયા હતા અને સલામી આપી હતી. બીજા દિવસે સવારે કાલાત્મક તાજિયાઓને નર્મદા નદીમાં વિસર્જન કરી મોહરમ પર્વનું સમાપન કરનાર છે