ભરૂચમાં દુર્ગાષ્ટમીની ઉજવણી કરવા બંગાળી સમાજ સજ્જ
પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાજીની પ્રતિમા તૈયાર કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, નવરાત્રીની ભરૂચ શહેર અને જીલ્લામાં ભક્તિભાવ પૂર્વક શરૂઆત થઈ છે.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા બંગાળી સમાજના લોકો દ્વારા પણ દર વર્ષે નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે.
ત્યારે આ વર્ષે પણ દુર્ગા મહોત્સવ ઉજવણી માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા પવિત્ર નર્મદા નદીની માટી માંથી દુર્ગા માતા તેમજ અન્ય ભગવાનની પ્રતિમાઓ તૈયાર કરી રંગરોગાન અને શણગાર કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચ જીલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા તેમની સાંસ્કૃતિક ઓળખસમા દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિ ભાવપૂર્વક અને ઉત્સાહ-ઉમંગ સાથે દર વર્ષે કરવામાં આવે છે.
ત્યારે આસો નવરાત્રીની પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે અને માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે.
ત્યારે આસો નવરાત્રિમાં દુર્ગાપૂજા મહોત્સવને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ મહિનાઓ પહેલા ભરૂચમાં ધામા નાંખી પવિત્ર નર્મદા નદીની માટી માંથી દુર્ગા માતાજીની સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે અને તમામ પ્રતિમાઓને આખરી ઓપ આપી રહ્યા છે.
આ પ્રતિમાંનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈપણ જાતનું પ્રદૂષણ નહીં થાય તેવું પશ્ચિમ બંગાળના મૂર્તિકારો જણાવી રહ્યા છે.