શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીજી વિસર્જન

ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ સ્થળે તૈયાર કરાયેલા ચાર કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિસર્જન
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર અને જિલ્લામાં ભક્તજનોએ રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજી ને દસ દિવસ ના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હદયે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલદી આના ના નારા ઓ સાથે વિદાય આપી હતી.તો નીલકંઠેશ્વર મંદિર ખાતે નર્મદા નદીમાં આ વર્ષે વિસર્જન માટેની વ્યવસ્થા નહિ કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જાેવા મળી રહી હતી તો ભાડભૂત ખાતે ૬ ફૂટ થી મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડ માં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના પાવન દિને પ્રથમ પૂજન ગણેશજીનું સ્થાપન કરી દસ દિવસ સુધી ગણેશ ભક્તિ માં લીન થઈ અનંત ચતુર્થીના દિવસે શ્રધ્ધાભર્યા માહોલ માં આવતા વર્ષે પુનઃ પધારવાના વચન સાથે રડતા હૈયે ભક્તોએ વિદાય આપી હતી.
ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની આરતી ઉતારી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાયો હતો.જેમાં રાજકીય તેમજ વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી તરફ કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નિલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય નગરપાલિકા દ્વારા ભરૂચના મકતમપુર,જે.બી.મોદી પાર્ક તેમજ ગાયત્રી મંદિર પાસે ચાર કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા.
ત્યાં સવારથી જ ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી રહ્યા હતા.કૃત્રિમ જળ કુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન ભક્તજનોને અગવડ ના પડે તેમ જ કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ, પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તહેનાત કરી દેવામાં આવી હતી.
તંત્રની કૃત્રિમ જળ કુંડ માં ગણેશ વિસર્જન ની અપીલ ને ગણેશ ભક્તોનો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.શાંતિપૂર્ણ અને શ્રદ્ધા ભર્યા માહોલમાં ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે જે તે વિસ્તાર મા ગણેશ વિસર્જન સંપન્ન થઈ રહ્યું હતું..