૩.૩૩ કરોડના મુદ્દામાલ: ટેન્કરોમાંથી જોખમી રીતે બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવ્યું હતું.આવીજ એક ઘટનામાં દહેજ પોલીસે વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીક ટેન્કરો માંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડી કુલ રૂપિયા ૩.૩૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને જોતા કેટલાક ઈસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું.પોલીસને જોઈને ત્યાં હાજર ઈસમો નાશવા લાગતા પોલીસે પાછળ દોડીને બે ઈસમોને પકડી લીધા હતા
અને અન્ય દશેક જેટલા ઇસમો અંધારામાં નાશી ગયા હતા.ઘટના સ્થળે ગેસના પાંચ ટેન્કરો અને એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું,આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો.કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વાલ્વ બંધ કરવો જરૂરી હોઈ પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.પકડાયેલ ઈસમોના નામ ધનારામ ભીખારામ લુહાર હાલ રહે.મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તા.વાગરા જી.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાન તેમજ બીજા ઈસમનું નામ મુસ્તાકઅલી મહેબુબઅલી રહે.મહારાષ્ટ્રના હોવાનું જણાયું હતું.
પોલીસની પુછપરછ દરમ્યાન ધનારામ લુહારે જણાવેલ કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે.એક મહિના અગાઉ રાકેશભાઈ નામનો ઈસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરો માંથી અમે ગેસ કાઢીશું
અને તમને એક બોટલના રૂપિયા ૫૦ આપીશું.ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરો માંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી.આજરોજ પાંચ ટેન્કરો માંથી કુલ ૩૬ બોટલો ભર્યા હતા અને ૩૭ મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેઈડ પડી હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પકડાયેલ બે ઈસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું હતું.