દિવાળીના તહેવારને લઈ ભરૂચ એસ.ટી 5 દિવસ ૧૦૦થી વધુ એસ.ટી બસો દોડાવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/GSRTC.webp)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રોજગારી અર્થે જીલ્લા બહારથી શ્રમિક પરિવારો સ્થાયી થતા હોય છે.ત્યારે દિવાળીના તહેવારને લઈને ભરૂચ એસ.ટી વિભાગ પણ સજ્જ બન્યું છે અને આગામી ૫ દિવસ સુધી ૧૦૦ થી વધુ બસો દોડાવવાનો પ્લાન ઘડી દીધો છે.
ભરૂચ જીલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા શ્રમિકો તહેવાર પૂર્વે પોતાના વતન તરફ ડોટ મૂકતા હોય છે.જેના પગલે એસ. ટી બસો,ખાનગી લકઝરીઓ અને વાહનો મુસાફરો થી ઉભરાઈ ઉઠતા હોય છે.ત્યારે ભરૂચ જીલ્લા માં રોજગારી અર્થે દાહોદ,ગોધરા સહીત અન્ય જીલ્લાના શ્રમિકો રોજગારી માટે આશરો મેળવતા હોય છે.
તહેવાર આવતા જ તેઓ પોતાના વતન જવા નિકળતા હોય છે.જેના પગલે ભરૂચનું એસ. ટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને આગામી ૧૯થી ૨૩ ઓકટોબર સુધી પાંચેય ડેપો માંથી બસોનું આયોજન કરી ૧૦૦ થી વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
ભરૂચ એસ.ટી ડેપોના વિભાગીય નિયામક સી ડી મહાજને માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના પાંચેય ડેપો માંથી દિવાળીના તહેવાર નિમિત્તે મજૂર વર્ગો પોતાના વતન સુધી સમયસર પહોંચી શકે તે માટે ૧૯ થી ૨૩ ઓકટોબર સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે
જેમાં તબક્કાવાર ૧૩૦ જેટલી બસો દોડાવાશે જેથી ઝાલોદ,દાહોદ, ગોધરા, સેલંબા અને અક્કલકુવા જવા માટે આયોજન કરાયું છે તો તેવીજ રીતે દિવાળી નો તહેવાર ઉજવી પાછા ફરી શકે તે માટે પણ ૨૫ થી ૨૮ ઓકટોબર દરમ્યાન પણ ૬૦ થી ૭૦ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર નિમિત્તે એસ.ટી વિભાગ દ્વારા વધુ બસોની ફાળવણી કરવામાં આવતા આવકમાં પણ વધારો થશે.