ભરૂચમાં ગટરમાંથી માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત

સોમવારે બીજો હાથ મળ્યો, શરીરના તમામ અંગ મળશે પછી પીએમ કરી શકાશે
આસપાસ નજીકમાં સીસીટીવી પણ ઉપલબ્ધ નહિ હોવાથી ભરૂચની ‘કટા હુઆ સર’ ની મર્ડર મિસ્ટ્રી દિવસે દિવસે વધુને વધુ ઘેરી બની રહી છે.
ભરૂચ,
કોઈ ક્રાઇમ સિરીઝ કે થ્રિલર ફિલ્મ જેવી રીયલ ઘટના ભરૂચમાં માનવીનું કપાયેલું માથું શનિવારે મળતા બહાર આવી હતી. રવિવારે સવારે કમરથી ઘૂંટણનો ભાગ તો સાંજે એક હાથ અને સોમવારે કપાયેલો બીજો હાથ મળી આવ્યો હતો.કોલેજ રોડ પર ભોલાવ વિસ્તારમાં ગટરમાંથી શનિવારે સાંજે માનવીનું માથું મળતા પ્રજા સાથે પોલીસ પણ સમસમી ઉઠી છે. ગટરમાંથી માથુંને બહાર કાઢ્યા બાદ આ સનસનીખેજ પ્રકરણમાં પોલીસે શરીરના અન્ય અંગો શોધી કાઢવા કમરકસી હતી. ગટરમાં ૧૦૦ મીટર સુધી આસપાસ શોધખોળ કરાવ્યા બાદ રવિવારે માનવીનું કમરથી ઘૂંટણ સુધીનું અંગ મળી આવ્યું હતું.
તો સાંજે કપાયેલો જમણો હાથ અને આજે શોધખોળના ત્રીજા દિવસ સોમવારે ડાબો હાથ મળી આવ્યો છે.કપાયેલ માથું બાદ શરીરનો અન્ય ભાગ, બે હાથ મળી આવવા છતાં તેનું પોસ્ટમોર્ટમ હજી શક્ય બની શકે તેમ નથી. અને શરીરના તમામ અવયવ એકત્ર કરવા પોલીસ ઘડ, પેટ અને પગની સઘન શોધખોળ કરી રહી છે. જે મળ્યા બાદ જ પોસ્ટમોર્ટમ અને મૃતકની કઈ રીતે હત્યા કરાઈ હોય શકે છે સહિતની બીજી હકીકત બહાર આવી શકે તેમ છે.હાલ તો આ કપાયેલ માથું, બે હાથ અને કમરથી ઘુંટણનો ભાગ ધરાવનાર વ્યક્તિ કોણ હતો કે હતી ? તેની ઓળખ કરવી સૌથી જરૂરી છે. આ માનવીય અંગો કોના હતા તેની ઓળખ થઈ જાય તો પોલીસને હત્યારા સુધી પોહચવામાં મદદ મળી શકે તેમ છે. આસપાસ નજીકમાંસીસીટીવી પણ ઉપલબ્ધ નહિ હોવાથી ભરૂચની ‘કટા હુઆ સર’ ની મર્ડર મિસ્ટ્રી દિવસે દિવસે વધુને વધુ ઘેરી બની રહી છે.