ભરૂચમાં ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથના તહેવારની ધામધૂમથી ઉજવણી
ભગવાન પરશુરામ દ્વારા અત્યાચારી ક્ષત્રિયનો અંત કરીને જગતને તેમનાં ખોફમાંથી મુક્ત કર્યા હતા.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં વર્ષોથી ખત્રી સમાજ દ્વારા મનાવામાં કાજરા ચોથના ઉત્સવની પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાજરા ચોથએ ખત્રી સમાજનો સૌથી મોટો ઉત્સવ છે જેની ઉજવણી અંગે પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન પરશુરામ દ્વારા અત્યાચારી ક્ષત્રિયનો અંત કરીને જગતને તેમનાં ખોફમાંથી મુક્ત કર્યા હતા.
આ સમયે ક્ષત્રિયોની મહિલાઓ તેમજ ગર્ભવતી મહિલાઓ બીજા જ્ઞાતિના ઘરોમાં છુપાઈ, પોતાની તથા પોતાના ગર્ભમાંના બાળકની રક્ષા કરતી હતી.જેથી ત્યાર પછીનો વંશ ક્ષત્રિય માથી ખત્રી તરીકે ઓળખાતો થયો અને પરશુરામના ક્રોધથી બચવા ખત્રી સમાજ ભેગા થઈ માં હિંગળાજને વિનંતી કરી કે અમને શ્રી પરશુરામના નરસંહારથી બચાવો ત્યારે મા હિંગળાજ શ્રી પરશુરામને કહ્યું કે હવે આ મારા શરણે આવેલા છે જેથી તે મારા બાળકો છે.
જેથી હવે તમે આ સંહાર નહીં કરો ત્યારે પરશુરામ ભગવાને કહ્યું કે તેમના શસ્ત્રો હથિયારો મને સોંપી દો ત્યારથી તેમને માના શરણે હથિયારો મૂકી દીધા હતા અને પરશુરામે ક્ષત્રિય લોકોનો સંહાર કરવાનું બંધ કરેલું ત્યાર બાદ ખત્રી સમાજ શ્રી હિંગળાજ માં ને વિનંતી કરી કે અમારી આજીવિકા હવે રહી નથી જેથી કરીને અમને કોઈ આજીવિકા આપો
જેથી અમે અમારા પરિવારનું ભરણપોષણ કરી શકે ત્યારથી શ્રી મા હિંગળાજ ખત્રી સમાજને વણાટકામ નો ધંધો સોંપ્યો હતો જે ધંધાર્થી ખત્રી સમાજે વણાટકામ કરી પહેલી ચુંદડી બનાવી તે શ્રી મા હિંગળાજને ચઢાવી ત્યારથી શ્રી મા હિંગળાજના પ્રતિક રૂપે શ્રી કાજરાનું પ્રતિક બાજઠ ઉપર બનાવી ઉત્સવ ઉજવવામાં આવે છે.તેમાં ચાર હાથ તરીકે ચાર લોટા અને મસ્તક તરીકે એક મોટો લોટો એમ પાંચ લોટા અને ચુંદડી ઓઢાડીને શ્રી કાજરા નું પ્રતીક બનાવી
તે પ્રતીક ત્રીજને દિવસે રાત્રે સમાજના વડીલો જાગરણ કરી બનાવે છે અને સમાજની તમામ મહિલાઓ એક સમય ભોજન કરી વ્રત રાખે છે અને બીજે દિવસે શ્રાવણ વદ ચોથ એટલે કે કાજરા ચોથ ના દિવસે શ્રી માતાજી પ્રતિક કાજરાને સમાજના ઘરે ઘરે નમન કરવામાં આવે છે અને સમાજના મુખ્ય મંદિરના સ્થાને ઢોલ શહેનાઈના તાલથી ભક્તિભાવથી રમાડવામાં આવે છે
અને સમાજના દરેક ઘરે નવ દિવસ પહેલા જવારા વાવવામાં આવે છે જે કાજરાને રમાડતા રમાડતા માતાના ગુંજનથી સમગ્ર માહોલ ગુંજી ઉઠે છે. આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યાર બાદ જવારાને નદીમા પધરાવવામાં આવે છે અને માતાના મંદિરમાં શ્રી કાજરાને વિરામ આપવામા આવે છે.