કિમ નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં: મોટી હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ

આજે ૫૦ વર્ષે અત્યંત જર્જરિત બન્યો ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કિમ નદી પર બ્રીજ – ભારે વાહનો પર પ્રતિબંધ પરંતુ નાના વાહનોને જીવના જોખમે કરવી પડે છે મુસાફરી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચના વાલિયા-વાડી સ્ટેટ હાઈવે પર ડહેલી ગામની કિમ નદી પર ૫૦ વર્ષ જુનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે.જેના પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે.મોટા વાહનો માટે આ બ્રિજ પરથી પ્રવેશ બંધી છે.
પરંતુ નાના વાહનોને પણ જાણે જીવના જોખમે તેના પરથી પસાર થવું પડે છે. ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર માર્ગ ડહેલી ગામ પાસે કિમ નદી ઉપર વર્ષ ૧૯૭૫ માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે બ્રિજ આજે ૫૦ વર્ષે અત્યંત જર્જરિત બન્યો છે.છેલ્લા બે વર્ષથી નવો બ્રિજ મંજુર થઈ થયો છે આમ છતાં તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી.
બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. આમ છતાં ક્યારેક બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે જેના પગલે બ્રિજ પર લગાડવામાં આવેલ એંગલ પણ તૂટી ગઈ છે.આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.કારણકે બ્રિજની બંને તરફની રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગઈ છે.
ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ એ પ્રશ્ન પણ ચર્ચાય રહ્યો છે.બ્રિજના પાયા તો હજુ મજબૂત છે પરંતુ તેનું સ્ટ્રક્ચર એકદમ જ ખોખલું થઈ ગયું છે.મોટા વાહનો માટે બ્રિજની નજીક જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જતા તેના સમારકામ માટે રૂપિયા બે કરોડ જેટલી મોટી રકમ ખર્ચવામાં આવી હતી.ત્યારે આટલી રકમમાં બ્રિજનું સમારકામ થઈ જાય તેવા આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે.