Western Times News

Gujarati News

ભરૂચના રતન તળાવની જાળવણીનાં અભાવે દુર્દશા

રતન તળાવની જાળવણીમાં પાલિકા શાસકો નિષ્ફળ હોવાના વિપક્ષના આક્ષેપ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની મધ્યમાં આવેલ અને શહેરના રત્ન સમાન રતન તળાવ પ્રત્યે વહીવટી તંત્ર ની ઉદાસીનતા ના કારણે નર્કાગાર જેવી સ્થિતિ થઈ જવા પામી છે.

ત્યારે સ્થાનિકોએ અને વિપક્ષે તંત્ર સામે વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે રતન તળાવના શુદ્ધિકરણ તેમજ બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર થઈ પણ સમગ્ર કામગીરી માત્ર કાગળ પર રહી છે.ત્યારે ઐતિહાસિક રતન તળાવની જાળવણી અંગે તંત્ર સક્રિય થાય તે જરૂરી છે.જોકે પાલિકા પ્રમુખે રતન તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું છે.

સરકારની સુફલામ સુજલામ યોજના અંતગર્ત ભરૂચ જીલ્લામાં તળાવો ખોદી જળસંચયની વાતો વર્ષોથી થતી રહી છે.પરંતુ ઐતિહાસિક રતન તળાવ છે તેને જ વિકસિત કરવામાં કે જાળવણી કરવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.ભરૂચમાં રહેલા ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં તેના વિકાસની માત્ર વાતો જ થતી રહે છે અને કાગળ પર જ ધોડા દોડતા રહ્યા છે.

રતન તળાવની જાળવણી અને વિકાસ માટે સતત લડત આપતા રહેલા સુરેશ વસાવા રતન તળાવના શુદ્ધિકરણ કરાવવા સાથે તેના નિવાસી અને અલભ્ય એવા આરક્ષિત પ્રજાતિના કાચબાઓના સંવર્ધન માટેના ખરા પ્રયાસો કરવાની આવશ્યકતા હોવાનું જણાવી રહ્યા છે.આ માટે તળાવમાં ઓક્સિજન પૂરો પાડવા જે કઈ કામગીરી કરાઈ હતી તે પણ હાલ બંધ હાલતમાં હોવાનું પણ તેઓએ કહ્યું હતુ.

ભરૂચ પાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ રતન તળાવની દુર્દશા જોઈ ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કરી આ માટેની ગ્રાન્ટ ક્યાં ગઈ તેવો પ્રશ્ન કરી અહીંના અલભ્ય અને શિડ્‌યુલ વન હેઠળ સંરક્ષિત કાચબાના સંરક્ષણ તેમજ રત્ન સમાન રતન તળાવના વિકાસ માટે પાલિકા નક્કર કામગીરી કરે તેવી માંગ કરી છે.

બીજી બાજુ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે રતન તળાવની બ્યુટિફિકેશનની કામગીરી માટે સરકાર માંથી ગ્રાન્ટ આવી છે.પાંચ વખત ટેન્ડર પડાયા હતા જે એલિજિબલ થયા ન હતા હવે છઠ્ઠી વખતમાં ટેન્ડર પ્રક્રિયા સંપન્ન થતા વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.જે માટે વન વિભાગ સાથે સંકલન કરી અહીંના કાચબાને સંરક્ષિત રાખવા માટેની કાર્યવાહી કરી ટૂંક સમયમાં જ રતન તળાવની બ્યુટિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.