ઘરફોડ ચોરી કરતા રીઢા ચોરને Bharuch LCBએ ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં બાઈક ઉપર હેલ્મેટ પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવતા હાલ પેટલાદ અને મૂળ અમરેલીના ૨૬ વર્ષથી માત્ર ઘરફોડ ચોરી કરતા તસ્કરને ભરૂચ એલસીબી એ જેલ ભેગો કર્યો છે. મૂળ અમરેલીનો અને હાલ પેટલાદના લકકડપુરા ખાતે રહેતો જયેશ મોહનભાઈ પટેલ વર્ષ ૧૯૯૭ એટલે કે છેલ્લા ૨૬ વર્ષથી માત્ર ઘરફોડ ચોરીનું જ કામ કરે છે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી ૩૦ વખત ચોરીના ગુનામાં પકડાયો છે. છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતના સમયથી આ તસ્કરે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ અને અંકલેશ્વરને ચોરી માટે પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો હતો.
તસ્કર જયેશ બોરસદથી જંબુસર વાળા રસ્તે ૧૨૦ કિલોમીટરનું અંતર બાઈક ઉપર કાપી ચોરી કરવા આવતો હતો.ભરૂચ જિલ્લામાં પ્રવેશતા પેહલા ટી પાનાથી પોતાની બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો અને હેલ્મેટ પહેરી બંધ ઘરોની રેકી કરતો. પોતાની પાસે સ્કૂલ બેગમાં હેક્ઝો બ્લેડ,પાના પેચિયાથી મકાનના પાછળના ભાગથી ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરાર થઈ જતો.જેને પોતાના ઘરે જ દાગીના ઓગાળી વેચતો.