ખેડૂતે ટ્રેક્ટરથી ખેતર ખેડતા સમયે જમીનમાંથી મોટી સંખ્યામાં શંખ બહાર નીકળ્યા
માંડવી ગામે ખેતરમાંથી મોટી સંખ્યામાં શંખ મળતા કુતૂહલ સર્જાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના માંડવી ગામે એક ખેતર માંથી મોટી સંખ્યામાં શંખ મળી આવ્યા છે, મળતી માહિતી મુજબ કોલીયાપાડા ગામના ખેડૂત નારાયણભાઈ રમેશભાઈ વસાવાના માંડવી ગામના ખેતરમાં દબાયેલા શંખ મોટી સંખ્યામાં મળી આવતા કુતૂહલ સર્જાયું છે,
ખેડૂત જ્યારે પોતાનું ખેતર ટ્રેક્ટર દ્વારા ખેડી રહ્યો હતો અને ખેતી માટે ખેતર તૈયાર કરી રહ્યો હતો તે સમયે ખેડાણ કરતી વખતે ખેતરમાં શંખ નજરે પડતા ખેડૂત આશ્ચર્ય ચકિત થયો હતો.ત્યાર બાદ તે જગ્યા પર વધુ ખોદકામ કરતાં માટી સંખ્યામાં શંખ જમીનમાં દટાયેલા મળી આવ્યા હતા.
જે બાદ ખેડૂત દ્વારા શંખનો એક ઢગલો કરી તેના ઉપર ફૂલ ચડાવી ખેડૂતે પૂજન અર્ચન કર્યું હતું તેમ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ વાત વાયુ વેગે પ્રસરતા ઘણા લોકો આ સ્થળ પર દોડી આવ્યા હતા અને મોટી સંખ્યા જમીન માં દટાયેલા શંખ જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
જોવામાં આ શંખ ઘણા વર્ષો જુના હોવાનું લાગી રહ્યું હતું પરંતુ આ શંખ અહીંયા ક્યાંથી આવ્યા અને આટલી મોટી સંખ્યામાં શંખને કયા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ તો ઝઘડિયા તાલુકાના માંડવી ગામના ખેતર માંથી મળી આવેલા શંખ આસ્થાનો વિષય બન્યા છે.