ભરૂચ પાલિકાએ મિલ્કત વેરાના ૪ હજાર બાકીદારો સામે નોટીસની ગાજ વરસાવી
રૂા. ૨૧.૯૩ કરોડ સામે અત્યાર સુધી ૧૪ કરોડની થયેલી વેરા વસુલાત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ પાલિકા દ્વારા નાણાંકીય વર્ષની પૂર્ણતાને લઈ મિલ્કતવેરા બાકી ૪ હજાર ધારકોને નોટિસોની બજવણી કરવા સાથે ૩૧ માર્ચ સુધીમાં બાકી મિલ્કત વેરો ભરી વ્યાજ અને દંડ માફીની યોજનાનો લાભ લેવા સૂચન કરાયું છે.તો જૂન માસ સુધીમાં એડવાન્સ વેરો ભરી ૨૦ થી ૨૫ ટકા રાહત મેળવવા નગરજનોને અપીલ કરાઈ છે.
ભરૂચ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં કુલ ૬૦ હજારથી વધુ કોમર્શિયલ અને રહેણાંક મિલ્કત ધારકો પાસેથી લાઈટ,પાણી,મિલ્કત તથા વ્યવસાય સહિતના વેરાઓની વસુલાત કરવામાં આવે છે.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ પૂર્ણ થવાના આરે હોવાથી પાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
પાલિકાના વેરાની પાછલા અને ચાલુ વર્ષની કુલ ૨૧ કરોડ ૯૩ લાખની રકમ મિલ્કત ધારકો પાસે લેવાની નીકળે છે.જેમાં અત્યાર સુધી ૧૪ કરોડની રકમ વેરા સ્વરૂપે આવી છે.જ્યારે ૫.૩૩ કરોડ જૂની બાકી વેરાની રકમ બોલતા પાલિકાએ આકરું વલણ અપનાવ્યું છે.વર્ષોથી પાલિકામાં વેરો ભરવાનો બાકી હોય તેવા ૪ હજાર બાકી વેરા ધારકો ઉપર પાલિકા તંત્રએ ગાજ વરસાવી નોટિસો ફટકારવા સાથે જાે તેવો બાકી વેરો નહિ ભરે તો આગામી સમયમાં મિલ્કતોને સિલિંગ અને હરાજીની પ્રક્રિયા પણ હાથ ધરાશે તેવી તાકીદ કરવા સાથે કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલાએ ટકોર કરી હતી.
તો બીજી તરફ સરકારની પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ હેઠળ જે બાકી મિલ્કત ધારકો ૩૧ માર્ચ સુધીમાં તેમનો બાકી વેરો ભરી દેશે તેમને વ્યાજ અને દંડ માફીનો લાભ મળશે.એવી જ રીતે ૩૦ જૂન સુધીમાં એડવાન્સ ટેક્ષ ભરનારને પાલિકાના કેશ કાઉન્ટર ઉપર વેરો ભરશે તો ૨૦ ટકા અને ઓનલાઈન ભરશે તો ૨૫ ટકા વેરામાં વળતર લેવા અપીલ કરી છે.ચાલુ વર્ષમાં ૧૪.૮૯ કરોડના લક્ષ્યાંક સામે ૧૦.૭૯ કરોડની વસુલાત પાછલા વર્ષોની ૬.૭૭ કરોડની બાકી રકમ સામે ૧.૩૮ કરોડની વસુલાત નાણાકીય વર્ષના ૨૧.૬૭ કરોડની નિર્ધારીત રકમ સામે ૧૨.૧૭ કરોડની વસુલાત કરવામાં આવી છે.