ભરૂચ નગરપાલિકાનો વિકાસ ખાડામાં ગરકાવ
શહેરના સુપરમાર્કેટ સામે ટેમ્પો રોડ ઉપર ફસાતા ટ્રાફિકજામ
(પ્રતિનિધિ) ભરૂચ, આ વર્ષે રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જેના કારણે મુખ્ય માર્ગો સહિત અંતરીયાળ માર્ગોની બિસ્માર હાલત થઈ જવા પામી હતી.ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો શહેરના તમામ રસ્તાઓની હાલત વરસાદ દરમ્યાન બિસ્માર થઈ જવા પામી હતી.
તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રિઝવા નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગો નું રીકાર્પેટીંગ કરી રસ્તાઓ ચકાચક કરી વિકાસ લોકોને બતાવામાં આવ્યો હતો. પરંતુ વિકાસના નામે પોલમપોલ થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
જેમાં સ્ટેશન રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામે એક આઈસર ટેમ્પો નંબર જીજે ૦૬ બીટી ૬૪૫૮ રોંગ સાઈડથી પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન તાજેતરમાં જ થયેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમ્યાન ખોદકામ કર્યા બાદ તેનું પુરાણ વ્યવસ્થિત ન કરતા આઈસર ટેમ્પાનું ટાયર રોડમાં પડેલા ખાડામાં ગરકાવ થઈ જવા પામ્યું હતું.
જેના પગલે એક સમયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.જે બાદ આઈસર ટેમ્પાને કલાકો ની જહેમત બાદ જેસીબી મશીનની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો.જે બાદ આઈસર ટેમ્પાને બહાર કાઢ્યા બાદ ટ્રાફિકજામ રાબેતા મુજબ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે.
જાેકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ ઘટનાને લઈને સુપર માર્કેટ થી સ્ટેશન સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.આખરે ફસાયેલા આઈસર ટેમ્પા માંથી સામાન બીજા ટેમ્પામાં ખાલી કરી જેસીબી મશીનની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ ભૂગર્ભ ગટરનું કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ ન થતાં આવી ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.