નર્મદામાં પાણીની આવક વધતા કાંઠા વિસ્તારના લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર
(પ્રતિનિધિ) ભરૂચ, હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયો છે.
જેના પગલે સતત બે દિવસથી ધોધમાર વરસાદ યથાવત રહેતા ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક થતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૪ ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી વચ્ચે કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભરૂચના ગાંધી બજાર, ફુરજા ચાર રસ્તા,ધાંસ મંડાઈ, ફાટા તળાવ, ડભોઈયાવાડ,દાંડિયા બજાર,કસક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતા વાહન ચાલકો સહીત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવાનો વાળો આવતા
ભરૂચના ફાટા તળાવથી ફુરજા તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી સાથે ખુલ્લી ગટરો પણ વરસાદી પાણીમાં લાપતા બનતા પાણી માંથી પસાર થતા વાહન ચાલકો સાથે ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા હોય તેવા ચોંકવનાર દ્રશ્યો સામે પાલિકા ની લાલીયાવાડી અને લાપરવાહી ની પોલ ખુલ્લી પડી રહી છે.
સરદાર સરોવર ડેમ માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જેના પગલે ફરી એકવાર લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવો ભય ઉભો થતા નર્મદા નદી ની જળ સપાટી ૨૪ ફૂટે પહોંચતા ફરી એકવાર ફુરજા,નાળિયેરી બજાર,ગાંધી બજાર,ફાટા તળાવ,દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારોના વેપારીઓની ચિંતા વધી રહી હોય સાથે ગત વર્ષે પૂરના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો.જેના કારણે ફરી એકવાર પૂરનું સંકટ વેપારીઓ માટે ચિંતાજનક બની ગયું છે.