લાખોના ખર્ચે RO પાણીના મશીનો મૂક્યા છે પણ મશીનો ભર ઉનાળે બંધ હાલતમાં

પ્રજાના પૈસાનો બગાડ અવનવી રીતે કરવામાં આવતો હોવાનો ભરૂચ વિપક્ષનો આક્ષેપ-ભરૂચ પાલિકાએ વિવિધ વિસ્તારોમાં મુકેલા RO પાણીના મશીનો બંધ હાલતમાં
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ પાલિકા દ્વારા શહેરીજનોને સસ્તામાં સ્વચ્છ, ઠંડુ પાણી પૂરું પાડવા મુકાયેલો લાખોનો પરબ પ્રોજેકટ પાલિકાના પાપે પાણી માટે તરસી રહ્યો છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા ચાર વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચનું આંધણ કરી શહેરના વિવિધ વિસ્તારોના જાહેરમાર્ગો ઉપર રાહદારીઓ અને વટેમાર્ગુઓ માટે શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા.
આ મશીનનો કોન્ટ્રાક્ટ તેની સાચવણી માટે પ વર્ષની વોરંટી અને મશીને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ મરામત માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદના ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને સોંપવામાં આવ્યો હતો.
પરંતુ પાણીના એટીએમ મશીન માંડ એક વર્ષ પણ ચાલ્યા ન હોવાથી ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને સમગ્ર પાણીના એટીએમ મશીનનો પ્રોજેક્ટ નિષ્ફળ જતા ભરૂર નગરપાલિકાએ શહેરીજનોના ટેક્સના રૂપિયાનું આંધણ કર્યું હોવાના આક્ષેપો વારંવાર થયા હતા.
જે બાદ વિવિધ વિસ્તરમાં રહેલા આરઓ પીવાના પાણીના મશીનો ભરૂચની ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચને આપવામાં આવ્યા હતા.પરંતુ ભરૂચ પાલિકાના કેટલાક પ્રોજેક્ટો અને યોજનાઓ પ્રજાના લાખો રૂપિયા ખર્ચાઈ ગયા બાદ પણ ઉપયોગી પુરવાર થઈ રહ્યા નથી.હાલ આકરી ગરમી અને તાપ આકાશ માંથી વરસી રહ્યો છે.
ત્યારે ભરૂચ પાલિકાના શાસકો શહેરના વિવિધ સ્થળે ઉપર પાંચ વર્ષ પૂર્વે એની ટાઈમ વોટર પરબ યોજના લઈને આવ્યા હતા.જેમાં શહેરમાં દસેક સ્થળે લાખોના ખર્ચે વોટર વેન્ડિંગ મશીનો મુકાઈ ગયા.
જો કે મહિનાઓ અને એક બે વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાં આ પરબ ખુદ પાણીથી તૃપ્ત થઈ શકી નથી. શહેરના પાંચબત્તી,પટેલ સુપર માર્કેટ, રેલ્વે સ્ટેશન સામે, કસક પોલીસ સ્ટેશન પાસે, મહંમદપુરા સર્કલ, વેજલપુર,શિફા કોમ્પ્લેક્ષ પાસે પાણીની પાલિકાની આ પરબો પાણીની વાટ જોઈ ધૂળધાણી થઈ ગઈ છે.
પાલિકાની પ્રજાને ઠંડુ આર.ઓનું પાણી આપવાની આ પરબ યોજના પોકળ સાબિત થવા સાથે પ્રજા માટે પરેશાની સમાન બની ગઈ છે. મુખ્ય માર્ગો, વિસ્તારોમાં ઉભા કરાયેલા પરબના આ સ્ટ્રક્ચર વાહન ચાલકો,રાહદારીઓ માટે આફત સાથે અકસ્માતને આમંત્રણ આપનાર સમાન બની રહ્યાં છે.
આ અંગે ભરૂચ નગરપાલિકા વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ શાસકોની નિષ્ફળતા ગણાવી આ રીતે પ્રજાના પૈસાનો બગાડ અવનવી રીતે કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.
પાણી માટે તરસતા પાલિકાના આ પાણી પ્રોજેક્ટ અંગે પ્રમુખ વિભૂતિ યાદવે આ મશીનો બગડી ગયા હોવાથી હટાવી લેવામાં આવશે તેમ કહી રહ્યા છે. તો બીજી બાજુ આ અંગે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે દસ પૈકી ચારેક જેટલા મશીન એન.જી.ઓને આપાવામાં આવ્યા છે જે થોડા ઘણા અંશે ચાલુ છે પાલિકા દ્વારા આ વોટર મશીનો ચાલુ કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા એ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ની ગ્રાન્ટમાં શહેરના વિવિધ ૧૦ લોકેશન પર શહેરીજનોને ઠંડુ અને મિનરલ વોટર પીવડાવવાના સ્વપ્ન દેખાડી પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે હાથ ધરેલ પાણી પ્રોજેક્ટ હાલ તો શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો છે. ત્યારે તે કાર્યાન્વિત કરવામાં આવે છે કે માત્ર કાગળ પર જ તંત્રના ઘોડા દોડતા રહે છે તે જોવું રહ્યું.