Western Times News

Gujarati News

ઉનાળાના આકરા તાપમાં ભરૂચ પાલિકાએ રોડ ઉપર ડામર રીકાર્પેટીંગ કરાવતા લોકોને હાલાકી

સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી રાત્રિએ પાથરેલો ડામર બપોર થતા જ ઓગળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી હવે લોકો માટે મનોરંજનરૂપી સાબિત થઈ ગઈ છે.ઉનાળાની ૪૩ ડિગ્રીના તાપમાન વચ્ચે રાત્રીએ રીકાર્પેટીંગ માટે પાથરેલો ડામર બપોર થતાં જ ઓગળતા રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓના ચાંપલો ચીપકી જતા તેઓએ સ્થળ ઉપર છોડયા હતા

તો કેટલાય વાહન ચાલકોના ટાયરો ચીપકવા લાગતા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જે બાદ ભરૂચ પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને તાત્કાલિ રોડ પર રેતી પાથરવાનું ફરમાન કરતા રેતી પાથરવાની શરૂઆત કરી હતી.

ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી પાંચબતી સર્કલ સુધીના બે કિલોમીટર સુધી રીકાર્પેટીંગ રોડની કામગીરી માટે મોડી રાત્રીએ કોન્ટ્રાક્ટરે સમગ્ર માર્ગ ઉપર ડામર પાથર્યો હતો અને તેની કામગીરી અધુરી છોડતા જ બીજા દિવસે બપોરે તાપમાનનો પાળો સતત વધતા જ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ડામર પણ પીગળવા લાગતા રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓએ પણ રોડ પરનો ડામર ઓગળવા લાગતા ડમરના રોડ પરથી પસાર થતાં અનેક રાહદારીઓના ચંપલ ચીપકી જતા તેઓએ સ્થળ ઉપર જ પોતાના ચંપલો છોડયા હતા અને ઘણા લોકોને તો ડામર વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ મદદરૂપ બન્યા હતા.

ભરૂચ સ્ટેશન રોડ ઉપર ઈન્દિરા નગર ઝુપડપટ્ટી પાસે જ ફ્રુટ માર્કેટ ભરાય છે અને આ માર્કેટમાં આવતાં લોકોએ જાહેરમાર્ગ ઉપરથી પસાર થતા ડામર ઓગળવાના કારણે ઘણા લોકો કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે બે બાંકડા બન્યા હતા અને ડામર વાળા રોડ ઉપર ચીપકી ગયા હતા.

સોશ્યલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થતાં જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધુરની ડમરી નાંખવાની કામગીરી શરૂ કરાવી હતી છતાં પણ તાપમાનનો પાળો વધુ ઊંચો રહેતા સતત દિવસ દરમિયાન ડામર ઓગળતો રહેતા રાહદારીઓને વાહન ચાલકો માટે જોખમ ઊભું થઈ ગયો હતો.

આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરે રીકાર્પેટીંગ માટે રાત્રિના સમયગાળા દરમ્યાન ડામર પાથર્યો હતો પરંતુ ઉનાળાની ગરમીનું તાપમાન વધુ હોવાના કારણે ડામર ઓગળ્યો છે અને કોઈને તકલીફ ન પડે તે માટે રેતી પણ નાંખવામાં આવી રહી છે.

પરંતુ દિવસ દરમ્યાન નગરજનોને હાલાકી ભોગવી પડી હોવાનું પણ પ્રમુખે સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી કામગીરી કરાવી હોવાનું કહ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.