અંકલેશ્વર અને નર્મદા નદી કાંઠાના અનેક ગામોમાં ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/0107-bharuch-2-1024x516.jpg)
ભરૂચ પોલીસે દેશી દારૂના જથ્થા સાથે અંકલેશ્વરના બુટલેગરને દબોચ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથક અને નર્મદા નદી કાંઠાના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાના અનેકવાર આક્ષેપો સાથે બૂમો ઉઠતી હોય છે.ત્યારે ભરૂચ પોલીસે અંકલેશ્વરનાં દેશી દારૂના બુટલેગરોને ભરૂચમાં દારૂ સપ્લાય કરે તે પહેલા જ ૧૦૦૦ લીટર થી વધુ દેશી દારૂના બમ્પર સાથે બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
પોલસે ઝડપેલા દેશી દારૂના બમ્પર માંથી અંદાજે ૧૦ હજાર પોટલીઓ બની શકે તો ભરૂચ જીલ્લામાં લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલા જ જીલ્લા પોલીસવડાએ દેશી દારૂની ભઠ્ઠીઓ દૂર કરવા માટે પોલીસ મથકના પીઆઈ અને ડીસ્ટાફને જરૂરી સૂચના આપી દેશી દારૂની ભઠ્ઠીઓ અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગડરીયાને બાતમી મળી હતી કે અંકલેશ્વરના બુટલેગરો ભરૂચમાં દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દારૂનો જથ્થો ફોર વ્હીલર ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે.જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ તરફ એક સિલ્વર કલરની ઈનોવા ગાડી નંબર જીજે ૦૫ સીએમ ૨૭૮૧ જનાર છે જે ગાડી ભૃગુઋષિ બ્રિજ ઉપરથી કોર્ટ રોડ તરફ આવતા તેને રોકી ચેક કરતા ગાડીમાં મીણીયા થેલા માંથી ૪૦૦ બમ્પર મળી
અંદાજે ૮૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૬ હજારના મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૦૦ લીટર દારૂ,ઈનોવા ગાડી કિંમત રૂપિયા ૩ લાખ અને ૧ મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી ૩,૨૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
અને ગાડીનો ચાલક અંકલેશ્વરના અમરતપરા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવા ઝડપાઈ ગયો હતો.જેની પુછપરછ કરતા ભરૂચ જીલ્લાના દહેજના ભાવેશ મકવાણા અને દહેજ ન ઠૂઠીયા ગામના રજુ રાઠોડ તથા વાગરાના કડોદરા ગામના બુટલેગર ભરત બબુ વસાવાનું નામ ખોલ્યું હતું. જેથી પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
તો ભરૂચ બી ડિવિઝન પોલીસે પણ મનુબર ચોકડીથી દહેગામ ત્રણ રસ્તા તરફ જતી દેશી દારૂના જથ્થા ભરેલી ફોર વ્હીલર ગાડી ઝડપી પાડી હતી.જેમાં અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામનો બુટલેગર યોગેશભાઈ પ્રવીણભાઈ વસાવા,અંકલેશ્વર તાલુકાના અમરતપરા ગામનો બુટલગેર ચિરાગભાઈ પ્રફુલભાઈ વસાવા તેમજ પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવાનાઓ મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે ૧૬ એવી ૭૬૮૦ માં ગેરકાયદેસર દેશી દારૂનો મોટો જથ્થો અંદાજે ૧૦૦ નંગ બમ્પર જે ૨૦૦ લીટર કિંમત રૂપિયા ૪૦૦૦ તથા ડિઝાયર ગાડી કિંમત રૂપિયા ૩ લાખ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.