ભરૂચ પોલીસની “સ્પેશ્યલ ડ્રાઈવ” માં માત્ર ૩ દિવસમાં જાહેરનામા ભંગના ૭૦૮ ગુના દાખલ થયા

Oplus_0
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત માત્ર ૩ દિવસમાં ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ ૭૦૮ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા.
જે અનુસંધાને ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતિય ઇસમોને મકાન/દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતિય શ્રમિકોના વેરીફીકેશન અંગે ચેકીંગ હાથ ધરવા માટે તા.૧૬ થી ૧૮ મે ૨૦૨૫ સુધી ૩ દિવસ માટે સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવી હતી.આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગે નોંધણી ન કરવનાર વિરૂદ્ધ જાહેરનામા ભંગના કુલ ૭૦૮ કેસ નોંધવામાં આવ્યા છે.આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ (બી) મુજબ ગુન્હા દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કામગીરી યથાવત રાખવામાં આવનાર છે.