ભરૂચમાં પ્રિમોન્સુન કામના નામે થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવા કલેક્ટરને આવેદન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતાં.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે.
ભરૂચ જિલ્લો ઔધૌગીક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔધૌગીક વસાહતો આવેલી જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તુટી ગયા છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
કોન્ટ્રાક્ટરો સાથેની મિલિભગતમાં દર વર્ષે એપ્રિલ-મે માહિનામાં રસ્તાઓની મરામતના નવિનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચે કરવો, તેમાં ભરપુર ભષ્ટ્રાચાર કરી નબળી ગુણવત્તા વારૂ મટીરીયલ વાપરવાથી ચોમાસાના પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જઈને જેવા હોય તેવા બની જાય છે.
જિલ્લામાં આવેલી ઔધૌગીક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. આમ થવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. પરિણામે ગામોને અને ખેતીને નુકશાન થાય છે.
વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઈવે, ડી.એમ.એફ.સી અને નર્મદા યોજનાની કેનાલોમાં પણ પુરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેને કારણે ખેડુતોને પાકમાં નુકશાન થાય છે.જેનો જરૂરી સર્વે સાથે પાણીની નિકાલ વ્યવસ્થા કરાવવા જે તે પ્રોજેકટને ફરજ પાડવી જોઈએ. ભરૂચ,જંબુસર, આમોદ,અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણઘડ વહિવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતોના બનાવ,કચરાના ઢગલા,સફાઈનો સદંતર અભાવ,વહિવટી તંત્રની અણઆવડત,બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેકસના પૈસામાં ભષ્ટ્રાચાર થયો છે.જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય તેવી માંગ કરાઈ હતી.