વરસાદી પાણીમાં ફસાયેલા કર્મચારીને બે કલાકની જહેમત બાદ બચાવાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડિયા પંથકમાં રાત્રિના બાર વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.જેના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, અતિ ભારે વરસાદના કારણે નોકરીયાતો અને ધંધાર્થીઓ પણ અટવાયા હતા.
મુલદ ચોકડી નજીક વિકાસ હોટલની બાજુ માંથી ખરર્ચી અને ત્યાંથી જીઆઈડીસીને જોડતા રોડ પર પણ ખૂબ મોટા પાયે પાણી ફરી વળ્યા હતા.આ રોડ પર થઈ જુના કાસિયા ગામનો વતની અને ઝઘડિયાની ડીસીએમ કંપનીમાં ફરજ બજાવતો તુષાર નટવરભાઈ પટેલ ખરચી થઈ માંડવા આવી રહ્યો હતો.ત્યારે રોડ પર પાણી ફરી વળ્યા હતા.
જેના પગલે તુષાર તેની બાઈક સાથે પાણીમાં ખેંચાઈ ગયો હતો.તે દરમ્યાન તેને એક નાનું વૃક્ષ હાથ લાગતાં તે તેને પકડીને ઉભો રહી ગયો હતો અને તેનુ બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ ગયુ હતુ.આ બાબતની જાણ મુલદ ચોકડી પર ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમના જયેશભાઈ પ્રજાપતિને થતા તેઓ તેમની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતા અને તુષાર પટેલને રેસ્કયુ કરી બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
લગભગ બે કલાકની જહેમત બાદ જયેશભાઈ તથા તેમની ટીમની મદદ વડે દોરડાથી તુષાર પટેલને હેમખેમ રીતે રેસકયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.ધસમસતા વરસાદી પાણી માંથી જીવ બચી જતાં યુવક તુષાર પટેલે ટ્રાફિક પોલીસ જયેશ પ્રજાપતિ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.