ભરૂચમાં ૪ વર્ષમાં ૨૨૩ વાહન ચાલકોના લાઈસન્સ ૩ મહિના સુધી રદ્દ
(પ્રતિનિધિ) ભરૂચ, વધતા જતા વાહન અકસ્માતોના કારણે સરકાર એક્શન મોડમાં આવી છે અને અકસ્માત સર્જનાર વાહન ચાલકોના પગલે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી જીવ ન ગુમાવે તે માટે કડક વલણ અપનાવી રહી છે.જેના પગલે અકસ્માત સર્જાતા વાહન ચાલકોના લાઈસન્સ રદ્દ કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ભરૂચમાં આરટીઓ વિભાગ દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૨૨૩ વાહન ચાલકોના લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ૬૪ લાઈસન્સ રદ્દ કર્યા છે.
ભરૂચ શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.જેને લઈને અકસ્માતની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવી રહી છે.જેમાં કેટલાક કિસ્સામાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.
જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સ્થગિત કરવામાં આવે છે.ત્યારે ભરૂચ આરટીઓ પરથી મળતી માહિતી મુજબ અકસ્માતના કેસમાં કોની ભૂલ હોય છે,તે જોવામાં આવે છે,કારણ કે ઘણી વખત રાહદારીઓની પણ ભૂલના કારણે પણ અકસ્માત બનતો હોય છે.
તેની તપાસ કર્યા બાદ વાહન ચાલકની ભૂલ જણાય તેવા કિસ્સામાં વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ આરટીઓ દ્વારા ત્રણ મહિનાથી છ મહિના સુધી સ્થગિત કરવામાં આવે છે.જેને લઈને જીલ્લામાં છેલ્લા ૪ વર્ષ દરમ્યાન ૨૨૩ જેટલા ડ્રાઈવિંગ લાઈસન્સને ૩ મહીના સુધી રદ્દ કરવામાં આવ્યા છે.
ઉલેખનીય છે કે શહેરી વિસ્તારમાં વસ્તી વધારાના સાથે વાહનો પણ વધી રહ્યા છે.પરંતુ વિસ્તાર તેટલો જ રહેતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.જેના કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે.
જેનાથી બચવા માત્ર એક જ ઉપાય છે કે રાહદારીઓ અને વાહન ચલાવનાર આજુબાજુ ધ્યાન આપી કાળજી પૂર્વક વાહન ચલાવે તે જરૂરી બન્યું છે.નહિતર અકસ્માતના કિસ્સામાં આરટીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરશે.જેમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ૬૪ લાઈસન્સ રદ્દ કર્યા છે.