કમોસમી વરસાદના પગલે ભરૂચ જિલ્લાના મીઠા ઉદ્યોગોને મોટું નુકસાન

જંબુસર, ગંધાર,દહેજ અને હાંસોટના મીઠા ઉદ્યોગોને નુકસાન પહોંચતા સેઝ રોયલ્ટી માફ કરવા સરકારમાં માંગ
(પ્રતિનિધિ) ભરૂચ, મીની વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લાના મીઠા ઉદ્યોગોને મોટું નુકશાન થવા પામ્યું છે.જેમાં દરિયા કિનારાના જંબુસર,ગંધાર, દહેજ અને હાંસોટના મીઠાના અગરો મળી અંદાજીત ૧૫ લાખ ટન મીઠાનું નુકશાન પહોંચતા સેઝ રોયલ્ટી માફ કરવા સરકારમાં માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચ જીલ્લામાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં આર્થિક નુકશાની થવા પામી છે.તો બીજી બાજુ મીઠા ઉદ્યોગને પણ અસર થવા પામી છે.જીલ્લાના ૧૦૦ જેટલા મીઠા ઉદ્યોગોનું તૈયાર થયેલ મીઠું કમોસમી વરસાદે ધોઈ નાંખતા ઉદ્યોગોમાં આ વખતે અછત વર્તાશે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે ભરૂચ જીલ્લામાં આવેલા મીની વાવડોઝા અને કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થવા પામ્યું છે.જેમાં ભરૂચ જીલ્લાના દરિયા કાંઠાના દહેજ, જંબુસર, હાંસોટ વાગરા સહિત ગંધારમાં અંદાજીત ૧૦૦ જેટલા મીઠા ઉદ્યોગો આવેલા છે.જે મીઠા ઉદ્યોગોને વર્ષ ૨૦૨૩ માં આવેલા તાઉતે વાવાઝોડાના મારથી હજુ માંડ માંડ ઉભા થયા છે.
ત્યાં વધુ એક મીની વાવાઝોડા અને કમોસમી વરસાદનો માર વેઠવાનો વાળો આવ્યો છે.ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સુલતાન પટેલે જણાવ્યું હતું કે આગામી જૂન માસમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે ઉત્પાદન કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. ચાલુ વર્ષે પણ કમોસમી વરસાદના કારણે દશેરા પછી ઉત્પાદન શરૂ કર્યું હતું.
ત્યારે ભરૂચ જીલ્લામાં ગયા વર્ષે ૨૮ લાખ ટન મીઠું પાકતું હતું.જે હાલમાં કમોસમી વરસાદના કારણે સાડા આઠ થી નવ લાખ ટન મીઠું પકાવી શક્યા છે.ત્યારે આગામી દિવસોમાં મીઠું ઉત્પાદન કરી શકીએ તેમ નથી તેથી મીઠા ઉદ્યોગોની કપરી સ્થિતિ આવતા સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી હતી.
તો ભરૂચ જીલ્લામાં ઉત્પાદિત થતું મીઠું દહેજ,ઝઘડિયા અને અતુલ સુધીની કેમિકલ કંપનીઓમાં મોકલવામાં આવે છે.જે આ વર્ષે ઉદ્યોગોમાં મીઠાની સંભવિત ૩૨ લાખ ટનની માંગ સામે ઉત્પાદન ૭૦ ટકા ઓછું હોવાથી અછત ઉભી થશે.
મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાના કારણે ઉદ્યોગોને પણ માવઠાની અસર જોવા મળનાર છે.જેથી આગામી સમયમાં મીઠાનું ઉત્પાદન જરૂરિયાત મુજબ નહિ થાય તો ઉદ્યોગોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.હજુ પણ આગામી દિવસોમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે મીઠા ઉદ્યોગ સંચાલકો ચિંતિત જોવા મળી રહ્યા છે.