ભરૂચ SOGની ટીમે ૨ શખ્સને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપ્યા
(એજન્સી)ભરૂચ, ભરૂચ એસઓજીની ટીમે એક પિસ્તલ, બે જીવતા કારતૂસ તેમજ એક છરો અને રામપુરી ચપ્પુ લઇને ફરતાં એક નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર સહિત બે જણાને ઝડપી પાડ્યાં હતાં. રાત્રીના ૨થી ચાર વાગ્યાના સમયગાળામાં જંબુસર બાયપાસથી હૂસેનિયા સોસાયટી સુધી પોલીસે પિછો કરી બન્નેને દબોચ્યાં હતાં.
બનાવને પગલે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ શિફ્ટ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે અને તેઓ દેરોલથી ભરૂચ તરફ આવી રહ્યાં છે.
જેના પગલે ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવતાં બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં ટીમે તેનો પિછો કરી હુસેનિયા સોસાયટ નજીક ફાટક પાસે કારને રોકી હતી. કાર ચાલક અને તેના સાથીનું નામ પુછતાં કાર ચલાવનાર નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર ઇમરાન શોકત ખીલજી (રહે. વસીલા સોસાયટી)
તેમજ તેની સાથેના શખ્સનું નામ સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલ (રહે. ઝીનત બંગ્લોઝ) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમનું ચેકિંગ કરતાં ઇમરાન ખિલજીએ એક પિસ્તલ તેના પેન્ટમાં પાછળના ભાગે ખોંસી રાખેલી મળી આવી હતી. જેમાં બે જીવતાં કારતૂસ પણ મળ્યાં હતાં.