શેરડીના ખેતરો મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય છે?

ભરૂચઃ ખેતરમાંથી ૭ દિવસમાં ૩ માનવ કંકાલ-મૃતદેહ મળ્યા
(એજન્સી)ભરૂચ, ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી સતત મૃતદેહો મળવાનું ચાલુ રહેતા ચકચાર મચી છે. અંકલેશ્વરના બાકરોલ, ઝઘડિયાના કરાડમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યા બાદ હવે વાલીયામાં શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે શેરડીના ખેતરો મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં અનુકૂળ જમીનના કારણે શેરડીના પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે છે પરંતુ આ શેરડીના ખેતરો જાણે હવે મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી મૃતદેહ મળવાનો છેલ્લા ઘણા સમયથી સીલસીલો ચાલી રહ્યો છે. માત્ર ગણતરીના દિવસોમાં જ શેરડીના અલગ અલગ ખેતરોમાંથી ત્રણ મૃત્યુ મળ્યા છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટીંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું.
આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડી.વાય.એસ.પી. ડો.કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પી.આઇ. શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. અર્થે મોકલી આપ્યું હતું.આ તરફ હજુ સુધી આ માનવકંકાલ કોનું છે એની પણ ઓળખ થઈ શકી નથી.અંકલેશ્વરના બાકરોલ ગામે મળેલા માનવ કંકાલની ઘટનાના ૨ જ દિવસ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાય ગયો હતો.આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી,અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી.