સુજનીમાં મંદીના કારણે નિરાશા: આવનાર દિવસોમાં હાથ વણાટની આ સુજનીઓ લુપ્ત થાય તેવા એંધાણ
સુજનીવાલાની ૭ પેઢીએ ભરૂચમાં જીવંત રાખી છે સુજની બનાવવાની કળા
પીરકાંઠી રોડ ઉપર રહેતા મહંમદ રફીક અને તેઓના ભાઈ મહંમદ અમીન બનાવી રહ્યા છે સુજની-સુજની વર્ષો વર્ષ સુધી વપરાય છે અને આ સુજનીથી ચામડીના કોઈ પણ રોગ થતા નથી.
– તાણા અને બાણાની મદદથી એક એક દોરા વડે આ પરિવાર મહેનત કરી વિવિધ ડીઝાઈનની સુજની કરે છે તૈયાર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી સામે રક્ષણ આપતી સુજની બનાવવાની કુનેહભરી કળા આજે પણ ભરૂચના સુજનીવાલા પરિવારની ૭ મી પેઢી દ્વારા જીવંત રાખી છે.તો બીજી તરફ મંદીનો માહોલ સર્જાતા તેઓમાં નિરાશા જોવા મળી રહી છે.
સુજની બનાવતા ૬૫ વર્ષીય મહંમદ રફીક સુજનીવાલાએ જણાવ્યું હતું કે તેઓ ૧૫ વર્ષ ના હતા ત્યારથી આ બનાવટમાં જોડાયા છે.તો સુજની મૂળ આડંબર નિકોરાની કળાને હિજરત કરી હિન્દુસ્તાન આવેલા કારીગરો અને સુજનીવાલા પરિવારો પોતાની સાથે લાવ્યા હતા.જે છેલ્લા ૭ પેઢીઓથી સુજનીવાલા પરિવાર સુજનીને બનાવતું આવ્યું છે.
ત્યારે અહીં વાત છે ભરૂચના માલીવાડ પીરકાંઠી રોડ ઉપર રહેતા મહંમદ રફીક સુજનીવાલાની કે જેઓની આ ૭ મી પેઢી છે અને તેઓના પૂર્વજો દ્વારા આ સુજની બનાવવામાં આવતી હતી.જે આજે પણ જીવંત રાખવામાં આવી છે.
ત્યારે હાથ અને પગ વડે તાણા અને બાણાની મદદથી એક એક દોરા વડે આ પરિવાર મહેનત કરી વિવિધ ડીઝાઈનની સૂજની આજે પણ બનાવી રહ્યું છે.જેતે સમયે બ્રિટિશ સરકારે તેઓના પૂર્વજોને વિવિધ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ દેશ અને વિદેશમાં યોજાતા એક્ઝિબિશનમાં પણ તેઓ ભાગ લેતા હોય છે.ત્યાં પણ તેઓને વિવિધ એવોર્ડ અનેયાત કરવામાં આવ્યા છે.
સુજનીવાલા પરિવારના તમામ સભ્યો સુજની બનાવવાના કામમાં લાગેલો હોય છે.જેમાં પત્ની સાયરાબેન દ્વારા ચરખા વડે દોરાની રિલ તૈયાર કરવામાં આવે છે.જે બાદ બે ભાઈઓ મહંમદ આરીફ અને મહંમદ અમીન દ્વારા હાથ વણાટની સુજની બનાવવામાં લાગી જાય છે.
જેમાં તાતણાં ગુથી ચોકઠાં બનાવી અંદર રૂ ભરવામાં આવે છે.જે રેશમ,વુલન અને કોટનમાં આ સુજની તૈયાર કરવામાં આવે છે.તો એક સુજનીને તૈયાર થતા બે થી ત્રણ દિવસ લાગી જાય છે.તો સિંગલ બેડ ની સુજની બે થી અઢી કિલો વજન ની હોય છે અને ડબલ બેડની સુજની ત્રણ કિલો જેટલા વજન ની બનતી હોય છે.
મહંમદ શોએબ સુજનીવાલા કે જેઓ ૭ મી પેઢીના છે અને તેઓ એ જણાવ્યું હતું કે આ સુજનીની ખાસિયત એ છે કે એક ચોકઠાં માંથી બીજા ચોકઠાં માં રૂ ભળી જતું નથી અને ટાંકા પણ તૂટતા નથી. જેના પગલે આ સુજની વર્ષો વર્ષ સુધી વપરાય છે અને આ સુજનીથી ચામડીના કોઈ પણ રોગ થતા નથી.
આ સુજની દેશના વડાપ્રધાન સહીત અનેક નેતાઓ તેમજ ફિલ્મી સ્ટારો પણ વાપરી રહ્યા છે.તો વધુમા તેઓએ જણાવ્યું હતું કે ભરૂચમાં પહેલા ઠેર ઠેર મશીનો હતા પંરતુ હાલ બજાર ન મળતાં અને વિદેશમાં જે વિવિધ ચાદરો આવી છે. જેના પગલે અમારી વસ્તુને નુકશાન થાય છે અને ગૃહઉદ્યોગમાં સાથ સહકાર ન મળતા તેમજ સરકાર દ્વારા કોઈ મદદ કે પ્રોત્સાહન ન મળતા આજે આ કળા લુપ્ત થતી જાય છે. તો આ છેલ્લી પેઢી છે ત્યાર બાદ બનાવનાર કોઈ નથી અને આ મશીન પણ છેલ્લું જ છે.
સખત પરિશ્રમ,કુનેહ અને સમય માંગી લેતી સુજનીની કિંમત આજના બ્લેન્કેટ અને ફ્લોર મેટ કરતા ઘણી ઉંચી હોય છે.પણ ભારત કરતા વિદેશમાં તેની ઉંચી માંગ રહે છે.સખત પરિશ્રમ દ્વારા તૈયાર થતી સુજનીની આધુનિક યુગમાં પણ તેટલી જ બોલબાલા છે.
સુજનીવાલા પરિવારનાં વંશજોએ ભરૂચમાં પરંપરાગત રીતે સુજનીના વ્યવસાયને છેલ્લા ૭ પેઢીથી જીવંત રાખી આ વારસો ટકાવી રાખ્યો છે.પરંતુ સુજનીવાલા પરિવારમાં હવે કોઈ બનાવનાર ન હોવાના કારણે આવનાર દિવસોમાં હાથ વણાટની આ સુજનીઓ લુપ્ત થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.