Western Times News

Gujarati News

ભરૂચમાં ટ્રાફીકજામની સમસ્યાથી વાહન ચાલકો અને વેપારીઓ પરેશાન

એક્પ્રેસ વે ઉપરથી અવરજવર કરતા વાહનો ભરૂચ શહેર માંથી પસાર થતા દિવસ – રાત ટ્રાફિકજામની સમસ્યાથી ટ્રાફિક પોલીસ મુકવાની માંગ

(પ્રતિનિધિ) ભરૂચ, ટ્રાફિકજામની સમસ્યાને હલ કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે હાલમાં ભરૂચ શહેરમાં ખારીસીંગની જેમ ટ્રાફિક પણ પ્રખ્યાત બની રહ્યું હોય તેમ ભરૂચથી વડોદરા વચ્ચેનો એક્સપ્રેસ વે કાર્યરત રહેતા વડોદરા તરફથી આવતા વાહનો અને સુરતથી વડોદરા તરફ જતો વાહન વ્યવહાર ભરૂચ શહેર માંથી પસાર થતા શહેરી વિસ્તારના માર્ગો ઉપર વાહનોનું ભારણ વધતા સતત ટ્રાફિકજામની સમસ્યા

નોકરિયાત અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ગંભીર બની જતા ટ્રાફિકને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ વધારવાની માંગ ઉઠી ગઈ છે. દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે.પરંતુ આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર તરફના ખેડૂતોએ પોતાની જમીન નહિ સંપાદન નહિ કરી જમીન મુજબનું વળતર નહિ મળતા એક્સપ્રેસ વે ની કામગીરી દક્ષિણ ગુજરાતમાં અધૂરી રહી છે.જેના પગલે વડોદરા અને ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે તૈયાર થતા તેને ખુલ્લો મુકાયો છે

અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો વડોદરા એક્સપ્રેસ વે ઉપર જવા માટે નર્મદા મૈયા બ્રિજ તથા નેશનલ હાઇવે ૪૮ નો ઉપયોગ કરી ઝાડેશ્વર ચોકડીથી ભરૂચ સિટીમાં કસક ગરનાળા માંથી પ્રવેશી પાંચબત્તી, મહંમદપુરા, કતોપોર બજાર સહિતના માર્ગોનો ઉપયોગ કરી દહેગામ નજીક એક્સપ્રેસ વે ઉપર જઈ રહ્યા છે.જેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકજામ ની સમસ્યા ગંભીર બની રહી છે.

વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે કાર્યરત થતા અમદાવાદ – વડોદરા તરફથી આવતા તમામ વાહન વ્યવહાર દક્ષિણ ગુજરાત તરફ સુરત અને મુંબઈ તરફ જતા તમામ વાહન વ્યવહાર વડોદરા એક્સપ્રેસ વે થી ભરૂચ દહેગામથી ઉતરી તમામ વાહન વ્યવહાર ભરૂચ શહેરમાં એટલે કે દહેગામ ચોકડી,શ્રવણ ચોકડી,ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી તથા બંબાખાના ચોકડી થઈ ભરૂચ શહેર માંથી પસાર થઈ નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર જવા માટે ઉપયોગ કરતા ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ શહેરમાં દિવસ રાત ટ્રાફિકજામનું ન્યુસન ભરૂચવાસીઓએ સહન કરવાની નોબત આવી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એક્સપ્રેસ વે નો ઉપયોગ કરતા વાહન ચાલકો ગુગલ મેપનો ઉપયોગ કરતા વાહન ચાલકો ભરૂચ શહેરના ક્યાં માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ નથી અને તે માર્ગ બંબાખાનાથી નાની બજાર થઈ ગાંધી બજાર,ચાર રસ્તા,કતોપોર બજાર થઈ વડાપડા રોડ થઈ સોનેરી મહેલ થી દાંડિયા બજાર તથા પાંચબત્તીથી સ્ટેશન તરફ થઈ કસક ગરનાળા માંથી નર્મદા મૈયા બ્રિજ ઉપર પહોંચતા હોવાના કારણે

ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની રહી હોય જેથી દહેગામ એક્સપ્રેસ વે તરફ થી આવતા વાહનોને ભરૂચ શહેરમાં ન પ્રવેશે અને તમામ વાહન ચાલકો બાયપાસ બ્રિજ થઈ શ્રવણ ચોકડીથી નેશનલ હાઈવે તરફ ડાયવર્ટ કરવાના પ્રયાસ કરે તે જરૂરી બની ગયું છે.

ભરૂચમાં એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહન ચાલકો શહેરના માર્ગોનો ઉપયોગ કરતા ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની રહી છે.જો આ સમસ્યા હલ કરવી હશે તો પોલીસે મહત્વની ચોકડી ઉપર ટ્રાફિક પોલીસનો કાફલો મુકવો પડશે જેમાં વડોદરા તરફના એક્સપ્રેસ વે પરથી આવતા અને દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકોને ભરૂચ શહેરમાં પ્રવેશની અપાવી બાયપાસ બ્રિજ થઈ શ્રવણ ચોકડી,નંદેલાવ ઓવરબ્રિજ ઉપર ડાયવર્ઝન કરવામાં આવે

તો એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ શકાય છે અથવા તો નર્મદા ચોકડીથી નેશનલ હાઈવે નંબર ૪૮ નો ઉપયોગ દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકો કરી શકે તેમ છે અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો પણ નર્મદા મૈયા બ્રીજથી સીધા એબીસી ચોકડી થઈ નંદેલાવ ઓવરબ્રિજથી સીધા દહેગામ નજીકના એક્સપ્રેસ વે નો ઉપયોગ કરે તો શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા હળવી થઈ શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.