Western Times News

Gujarati News

ભરૂચના ૯ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

ભરૂચમાં ૩ ઈંચ વરસાદમાં સમગ્ર જાહેરમાર્ગો ઉપર જળબંબાકારની પરિસ્થિતિ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વરસાદનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે જ ભરૂચ શહેરમાં ૩ ઈંચ વરસાદથી ભરૂચના જાહેરમાર્ગો ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.પણ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વેપારીઓ વાહનચાલકો રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી હતી.જોકે પ્રથમ વરસાદે ભરૂચ નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી હોય તેવા ચોકાવનારા દ્રશ્યો ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગએ વરસાદની આગાહી કરી હતી.જેના કારણે અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ભરૂચ જીલ્લામાં પણ વહેલી સવારથી જ મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.જેના પગલે રવિવારની રજાના દિવસે ધોધમાર વરસાદથી ભરૂચના જાહેર માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા.

ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો.જેના પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ભરૂચ શહેરમાં જ ૩ ઈંચ જેટલા વરસાદમાં જ સમગ્ર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા. કરોડોના ખર્ચે પેવર બ્લોક વાળા બનાવેલા રોડ તથા ગટર લાઈન અને બ્લોક ગટર યોજના પાછળ ભરૂચ નગરપાલિકાએ કરોડોનું આંધણ કરવા છતાં સમગ્ર ભરૂચ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો.

ભરૂચના કસક વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ વરસાદી કાંસજામ થઈ જવાના કારણે ગટરના અત્યંત દુર્ગંધ વાળા કાળા કલરના પાણી કસક વિસ્તારમાં ફરી વળ્યા હતા.જેના પગલે દુર્ગંધવાળા ગંદા પાણી માંથી રાહદારીઓ વાહન ચાલકોએ પસાર થવાની નોબત આવી હતી અને વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.જોકે ભરૂચ નગરપાલિકાની ચોમાસાની પ્રથમ બેટિંગમાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે જેના કારણે ગટરના ગંદા પાણીથી લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

ભરૂચ શહેરના ફાટાતળાવ,ફુરજા ચાર રસ્તા,ગાંધી બજાર,મોટા ડભોયાવાડ,દાંડિયા બજાર, પાંચબત્તી,સેવાશ્રમ રોડ,આલી કાછિયાવાડ સહિત ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો હતો અને ફુરજા ચાર રસ્તા ગાંધી બજારમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ધસમસતા પ્રવાહ જાહેર માર્ગો પરથી પસાર થતા વેપારીઓએ પણ પોતાના વેપાર ધંધા બંધ કરવાની નોબત આવી ગઈ હતી

અને ભરૂચ નગરપાલિકાએ કરોડોના ખર્ચે ફાટા તળાવથી ફૂરજા ચાર રસ્તા સુધી કરોડોના ખર્ચે બ્લોકવાળી ગટર બનાવી હોવા છતાં દર વર્ષની ચોમાસાની પરિસ્થિતિનું નિર્માણ યથાવત રહ્યું હતું.જેના કારણે ભરૂચ નગરપાલિકાની બ્લોકવાળી ગટર યોજનાનું પણ સુરસુરીયું જોવા મળ્યું હતું અને યોજના નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ વેપારીઓ કરી રહ્યા છે અને સતત મોટા ડભોયાવાડથી ફુરજા ચાર રસ્તા સુધી વરસાદી પાણીના પ્રવાહ જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોએ ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.