ભરૂચનું નાઈટ શેલ્ટર હોમ શિયાળાની ઠંડીમાં ઘરવિહોણા લોકો માટે બન્યું આર્શીવાદરૂપ
નાઈટ શેલ્ટર હોમમાં છેલ્લા ૨૨ મહિનામાં ૫૦ હજારથી વધુ ઘર વિહોણા લોકોએ મેળવ્યો આશરો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેરમાં સવા કરોડના ખર્ચે નિર્માણ પામેલુ નાઈટ સેન્ટર હોમ લાભાર્થીઓ માટે આર્શીવાદરૂપ બન્યું છે.કારણ કે આ શેલ્ટર હોમમાં ભોજન સાથે સવાર સાંજ ચા નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે અને રોજના ૨૦૦થી વધુ લોકો નાઈટ શેલ્ટર હોમમાં આશરો મેળવી રહ્યા છે.સેવા યજ્ઞ સમિતિ દ્વારા રોડ ઉપર રઝડતા લોકોને પોતાની ગાડી મારફતે શેલ્ટર હોમ ઉપર લાવી આશરો અપાવી રહ્યા છે જે કામગીરી પણ આવકારદાયક માનવામાં આવે છે.
ભરૂચની એક જાગૃત મહિલા સંધ્યા માછીએ આજથી ૫ વર્ષ પહેલાં શેલ્ટર હોમ બનાવાની માંગ કરી હતી.કારણ કે જે તે સમયે અસ્થિર મગજની એક મહિલા પર દુષ્કર્મ
આચરવાની ઘટના બની હતી.જેના કારણે સંધ્યા માછીએ શેલ્ટર હોમ બનાવવાની માંગ કરી હતી અને ત્યાર બાદ નગરપાલિકામાં મહિલા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પણ આ વાતને ધ્યાન પર લઈ તાત્કાલિક જૂની બે સરકારી એસટી બસ ખરીદીને તેને બનાવવામાં આવી હતી.જેમાં ૪૦ લોકો રાત્રી રોકાણ કરી શકે તે માટેની સુવિધા કરી હતી.જેમાં રાત્રી રોકાણ કરતાં લોકોને ઓઢવા માટે ચારસા પણ આપવામાં આવતા હતા.
જુની એસટી બસમાં રાતવાસો કરવા માટે સંખ્યામાં વધારો થતા જે તે વખતના ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ પણ એક અદ્યતન સુવિધા વાળું નાઈટ શેલ્ટર હોમ બનાવાના પ્રયાસો કર્યા હતા અને ભરૂચ નગરપાલિકાની ગીતા પાર્ક સોસાયટી પાસે આવેલી જગ્યા ઉપર નાઈટ શેલ્ટર હોમ બનાવવા માટે એક કરોડ ઉપરાંતની મંજૂરી થઈ હતી અને તાત્કાલિક નાઈટ શેલ્ટર માટે ખાતમુર્હુત કરી ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું.
જેનું ઈ લોકાર્પણ જે તે વખતના મુખ્યમંત્રીના હસ્તે કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને ખુલ્લુ મોકલવામાં આવેલ નાઈટ શેલ્ટર હોમ ત્રણેય ઋતુમાં એટલે કે શિયાળો,ઉનાળો અને ચોમાસામાં રોડ ઉપર રઝડતા લોકો આજે આ નાઈટ શેલ્ટર હોમનો ઉપયોગ કરતા પણ થયા છે અને ઘણા લાભાર્થીઓ માટે આ નાઈટ શેલ્ટર હોમ આર્શીવાદરૂપ બની ગયું છે.નાઈટ શેલ્ટર હોમમાં આવતા લાભાર્થીઓને રાત્રિનું ભોજન અને સવારે ચા નાસ્તો પણ પૂરો પાડવામાં આવે છે જે લોકો માટે પણ માનવતાનું ઉદાહરણ માનવામાં આવે છે.
નાઈટ શેલ્ટર હોમનું સંચાલન કરતી સેવા યજ્ઞ સમિતિના હિમાંશુભાઈ પરીખે જણાવ્યુ હતુ કે જાહેરમાર્ગ ઉપર રઝડતાં અને રોડ ઉપર સુતા લોકો માટે એક ગાડી પણ કાર્યરત કરવામાં આવી છે રોડ ઉપર રાતવાસો કરતાં લોકોને ગાડીમાં બેસાડી નાઈટ શેલ્ટર હોમ સુધી લાવવામાં આવે છે અને અહી આવતા લોકોને નાહવા,ચા નાસ્તો,જમવા સહિત ની સુવિધા આપવામાં આવી રહી છે.આજે આ નાઈટ શેલ્ટર હોમમાં ૨૦૦થી વધુ લોકો રાતવાસો કરી રહ્યા છે.જે આજે શિયાળાની ઠંડીમાં લોકો માટે આશીર્વાદરૂપ બની છે.