ભરૂચના ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકો ઘરમાં પુરાવા મજબુર
ગટરના ગંદા પાણી મુદ્દે સ્થાનિકોએ “પાલિકા હાય હાય”ના નારા લગાવી ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાની હસવિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૪ માં આવેલ અયોધ્યા નગરમાં ઉભરાતી ગટરોના પાણીથી પરેશાન લોકોએ રોગચારો ફાટી નીકળ્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી ટાણે ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી હાયરે નગર પાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવી ઉંધતી પાલિકા અને સ્થાનિક નેતાઓને જગાડવાના પ્રયાસો કર્યા છે.
ભરૂચ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જીલ્લા માંથી ઘણા વિસ્તારોમાં વિવિધ કામ ન થયા હોવાના આક્ષેપ સાથે વિરોધ વંટોળ ઉભો થઈ રહ્યો છે.તો ભરૂચમાં ભાજપના ગઢ સમા અયોધ્યા નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ચોમાસાની ઋતુનો બારેમાસ અનુભવ કરતા રહીશો લોકસભાની ચૂંટણી ટાણે જ પોતાના ઘર પાસે ભરાતા ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા
અને કામ નહિ તો વોટ નહિ,હાયરે નગરપાલિકા હાય હાય ના નારા લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઉંઘતી નગરપાલિકા અને ૨૦૦ – ૫૦૦ મતોથી ભાજપને કશું થવાનું નથી તેવું બોલનારા સ્થાનિક રાજકારણીઓના કાન ખોલવા માટે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આંગણે ભરાઈ રહેતા પીવાના પાણીની પાઈપ લાઈનમાં ગટરના પાણી ફરી વળવાના કારણે ગટરના ગંદા પ્રદુષિત પાણી પણ પીવાના પાણી સાથે ભેરસેળ થતા બાળકો પણ રોગચારામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરવા સાથે ૭૦ વર્ષીય વૃદ્ધાએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું મારા જતાં જતાં આટલું કરી આપો બકરા માટે બો રજૂઆત કરી બે હાથ જોડયા હતા.
જે બાદ આક્રોશ સાથે મહિલાઓએ ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે જ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો નહિ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો વિરોધ કરવા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.ત્યારે તંત્રએ પણ જરૂરી કામો વહેલી તકે પૂર્ણ કરે તે જરૂરી છે.