Western Times News

Gujarati News

ભવાની માતાનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક

ભાવનગર, સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના અતૂટ પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અખૂટ શ્રધ્ધાનું સાક્ષી છે. સંત, શુરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડની રખેવાળી માટે ચારેય દિશામાં માતાજી હાજરા હજૂર બેઠા છે.

લોકવાયકા પ્રમાણે ભવાની માતાજીના મંદિરથી થોડે દૂર કતપર ગામ આવેલું છે. તે સમયે કુંદનપુર તરીકે કતપર ગામ ઓળખાતું હતું. કુંદનપુરના રાજા ભીષ્મક હતા. તેમને સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેમાં મોટા પુત્રનું નામ રુકમય અને પુત્રીનું નામ રુકમણી હતું. રુકમણીજીના વિવાહ તેમના ભાઈએ તેના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા.

જે રુકમણીજીને પસંદ ન હતા, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, મારા ભાઈએ મારા વિવાહ મને પસંદ ન હોય તેની સાથે નક્કી કર્યા છે, એટલે હે નાથ તમે ભવાની માતાના મંદિરે આવી મારુ હરણ કરી તમારી સાથે લઈ જાવ આથી ભગવાન શ્રી કૃષ્ણ ભવાની મંદિરે આવે છે અને રુકમણીજીને દ્વારકા લઈ જઈ ત્યાં તેમના સાથે વિવાહ કરી લે છે.

આમ ભવાની માતાજીનું મંદિર શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રેમનું પ્રતિક ગણાય છે અને આ પ્રસંગના પૂરાવા રૂપે અવશેષો મંદિર પરિસરમાં આજે પણ મોજૂદ છે. આ દંતકથાને કારણે આજે પણ અપરિણીત કન્યાઓ તેમના મનગમતા ભાવિ ભરથાર માટે ભવાની માતાજી સમક્ષ મનોકામના કરી પૂજન-અર્ચન કરે છે. મહુવાથી આશરે ૫ કિ.મી.ના અંતરે અરબી સમુદ્રની સપાટીથી ૧૫૦ ફીટ ઉપર આવેલા ઐતિહાસિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સ્થાન ધરાવે છે.

દરિયાના ઘુઘવાટા મોજે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના પ્રસંગને વર્ણવતા હોય તેવો અહેસાસ કરાવે છે. શ્રદ્ધાળુઓ સાથે પર્યટકો માટે પણ ભવાની માતાજીનું સ્થળ શ્રેષ્ઠ મનાય છે.

હાલ ઉનાળુ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે તેવામાં આ ભવાની માતાના મંદિર પરિસર નજીક આવેલ દરિયાકાંઠે લોકોનું ઘોડાપૂર પણ ઉમટી રહ્યું છે. અહીં અરબી સમુદ્રનો કાંઠો પર્યટકો-શ્રદ્ધાળુઓને અલૌકિક આનંદને અહેસાસ કરાવે છે. પિકનિક પોઇન્ટ તરીકે વિકસેલા આ સ્થળે રવિવાર અને તહેવારના દિવસોમાં લોકોની ખાસી ભીડ રહે છે. અહીં દરિયાકાંઠે આવતા બાળકોને રમવા માટે જુદી જુદી પ્રકારની બાઈક પણ મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.