Western Times News

Gujarati News

એક સમયે સિવિલ મેડિસિટીમાં નોકરી કરતી હતી આજે મારી કર્મભૂમિમાં ઘ્વજવંદનનો અવસર ગૌરવપૂર્ણ ક્ષણ- ભાવિના પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી -પેરાઓલમ્પિક મેડલ વિજેતા શ્રી ભાવિના પટેલની પ્રેરક ઉપસ્થિતિમા દેશભક્તિમાં રસતરબોળ કરતો કાર્યક્રમ યોજાયો

ભાવિના પટેલે આન-બાન-શાન થી ગગનમાં તિરંગો લહેરાવ્યો

ભાવિના પટેલે ઉપસ્થિત દિવ્યાંગજનો સહિત તમામ કર્મીઓને પોતાની શૌર્ય અને સંધર્ષગાથાથી પ્રોત્સાહિત કર્યા

અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા પેરાઓલમ્પિક મેડલ વિજેતા શ્રી ભાવિના પટેલની પ્રેરક ઉપસ્થિતિમા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

સ્પાઇન ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર ડૉ.પિયુષ મિત્તલ સહિત મોટી સંખ્યામાં તબીબો અને પેરાપ્લાઝિયા દર્દીઓ આ રંગારંગ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

ભાવિના પટેલે આન-બાન-શાન થી ગગનમાં તિરંગો લહેરાવીને ઘ્વજવંદન કરાવ્યું હતું. હોસ્પિટલમાં પરિસરમાં ઉપસ્થિત સૌ લોકોને આ ક્ષણ દેશભક્તિમા  રસતરબોળ કરી ગઇ હતી.

ઘ્વજવંદન બાદ ભાવિના પટેલે ઉપસ્થિત દિવ્યાંગજનો સહિત તમામ કર્મીઓને પોતાની શૌર્ય અને સંધર્ષગાથાથી પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે આ ક્ષણે કહ્યું કે, સિવિલ મેડિસિટીની ભૂમિ એક વખતની મારી કર્મભૂમિ રહી છે. અહીંની ડેન્ટલ હોસ્પિટલમાં ઘણાં લાંબા સમય સુધી મેં નોકરી કરી હતી‌.  ત્યારબાદ હું આ પેરાઓલમ્પિક ગેમ્સ તરફ વળી હતી. આજના ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મારી કર્મભૂમિમાં આવીને ધન્યતા અનુભવી રહી છું તેમ  ઉમેર્યું હતું ‌.

દ્રઢ ઇચ્છાશક્તિ દિવ્યાંગજનને પણ પર્વતારોહણમાં  સફળતા અપાવી શકે છે ઓલમ્પિકમાં મેડલ જીતાવી શકે છે તેમ દ્રઢતાપૂર્વક ભાવિનાએ ઉપસ્થિતોને કહીને પ્રોત્સાહિત કર્યાં હતા‌.

હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ પિયુષ મિત્તલે ઉપસ્થિત તમામ લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવીને ઇન્સ્ટિટયૂટમાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓથી સૌને માહિતગાર કર્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી અપાવવામાં જે નરબંકાઓએ શહીદી વ્હોરી છે તેમને યાદ કરીને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા સૌ કોઈ સંક્લ્પબધ્ધ બન્યા હતા‌.

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા. વધુમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરાપ્લાઝિયા દર્દીઓનું સમાજમાં જનઉપયોગી શ્રેષ્ઠત્તમ કામગીરી બદલ સન્માન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.