ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/1664460729845.jpg)
લોક-1 ઘઉંની જાત થકી દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ ‘આત્મનિર્ભર’ બન્યો છે
વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદ આપેલુ છે
ગુજરાતના પનોતાપુત્ર અને વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાનશ્રીનું ભાવેણાની પાવનભૂમિ ભાવનગર ખાતે રાજયના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી
વડાપ્રધાનશ્રીની છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરુદઆ પેલુ છે.
ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે આવેલી દેશની એકમાત્ર NGO ‘લોકભારતી’ના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડૉ. ઝવેરભાઈ પટેલ દ્વારા લોક-1 ઘઉંનું સંશોઘન કરવામાં આવ્યુ છે
અને આ ઘઉંની જાત દેશના વડાપ્રધાન શ્રી મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી જાત છે. કેમ કે આ ઘઉંના ઉત્પાદનથી ખેડૂતો 8% વધુ ઉપજ મેળવી શકે છે. પરિણામે ઘઉંના બફર સ્ટોકમાં નોંધપાત્ર યોગદાન સાથે આપણા દેશની ખાદ્ય અછતનો સામનો કરવા માટે દેશ આત્મનિર્ભર બન્યો છે.
તેથી જ આ ઘઉંનું સંશોધન રાષ્ટ્ર માટે અતુલ્ય યોગદાન ગણવામાં આવે છે. વર્ષ 1981થી દેશની અન્ય તમામ ઘઉંની જાતોમાં લોક-1 પ્રથમ સ્થાને છે.
લોક-1 ઘઉંના ઉપયોગથી દર વર્ષે દેશને રૂ.200 કરોડનો નફો થાય છે. આપણા રાષ્ટ્રની હરિયાળી ક્રાંતિ અને ખાદ્ય સુરક્ષામાં તેનું અમૂલ્ય યોગદાન છે. ઘઉંની અન્ય જાતોની સરખામણીમાં સૌથી વધુ ઉપજ આપનારી આ વેરાઇટીને ઓછી સિંચાઈ અને ખાતરની જરૂર પડે છે. જે વહેલી પરિપક્વતા હોવા છતાં વધુ ઉત્પાદન આપે છે.
વિશેષ ગુણધર્મો ધરાવતા આ ઘઉંના દાણાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તસવીર તૈયાર કરાવીને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વૈશ્વિક નેતા ભારતના વડાપ્રધાનશ્રી મોદીનું આ અનોખી સ્મૃતિછબીથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.