ટ્રેક પર પાણી ભરાવવાના કારણે મહુવા સુરત પેસેન્જર ટ્રેન સાવરકુંડલા સ્ટોપ કરાઈ

ભાવનગરના મહુવામાં ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ -મહુવામાં પંથકને રીતસર મેઘરાજાએ ઘમરરોળી નાખ્યું
ભાવનગર, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને આજે ભાવનગર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવામાં પંથકને રીતસર મેઘરાજાએ ઘમરરોળી નાખ્યું હોય
તેમ ૨૪ કલાકમાં સાંબેલાધાર ૫ ઇંચ વરસાદ ત્રાટકી ગયો હતો. મેઘ મહેરને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ ખેતરોમાં લહેરાતા પાક પર વરસાદ સોના સમાન સાબિત થતાં ખેડૂતોના હૈયે ટાઢક વળી હતી. દિવસ દરમિયાન પણ રાતના અંધારા જેવી સ્થિતિ અને કાળાં ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડતા માલણ નદીમાં નવા નીરની આવક થવા પામી હતી.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુમાં ૧૩ સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છુટોછવાયો, જ્યારે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
બીજી તરફ ૧૪ સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાથે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ૧૫ સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. આમ ગુજરાતમાં આગામી ૪ દિવસ મેઘમહેર યથાવત રહે તેવી શક્યતા સેવાઇ રહી છે.