ભાવનગરના તળાજા તાલુકાના ટીમાણા ગામે શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી રાજ્યપાલે
Bhavnagar, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા શ્રી કનુભાઈ ભટ્ટના શિવશક્તિ ફાર્મની મુલાકાત લઈ તેમની કૃષિ અંગેની પ્રવૃત્તિઓને નિહાળી હતી. રાજ્યપાલશ્રીએ શ્રી ટીમાણા પ્રાકૃતિક કૃષિ મહિલા વિકાસ જૂથની પણ મુલાકાત લીધી હતી.
ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીએ ટીમાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ૨૭ ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડુતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીની મુલાકાત વેળાએ ભાવનગર કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, નાયબ ખેતી નિયામકશ્રી જે. એન. પરમાર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.