ભાવનગરના શિહોર તાલુકામાં સૌથી વધુ સરેરાશ ૫ ઇંચ વરસાદ
જયારે સુરતના ઉમરપાડામાં ૪ ઇંચ વરસાદ-વાલોદ, ઉમરાળા અને કપરાડામાં સરેરાશ ૩ ઇંચ વરસાદ વરસ્યો: રાજ્યના ૯ તાલુકામાં સરેરાશ ૨ ઇંચ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૭.૬૩ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં સૌથી વધુ ૧૨૮ મિ.મી. એટલે કે, ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૦૦ મિ.મી. એટલે કે, ૪ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૨ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૭.૬૩ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫.૪૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૬.૨૯ ટકા, જયારે પૂર્વ ગુજરાતમાં ૩૪.૮૩ ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના ૩ તાલુકાઓમાં સરેરાશ ૩ ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં ૮૭ મિ.મી., ભાવનગરના ઉમરાળામાં ૮૫ મિ.મી. અને વલસાડના કપરાડામાં ૮૦ મિ.મી., એટલે કે, સરેરાશ ૩ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
જયારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ૭૨ મિ.મી., સુરતના પલસાણામાં ૬૮ મિ.મી., સુરતના કામરેજમાં અને છોટાઉદેપુરના કવાંટમાં ૬૨ મિ.મી., સુરતના બારડોલીમાં અને તાપીના વ્યારામાં ૬૧-૬૧ મિ.મી., ઉચ્છલમાં ૬૦ મિ.મી., સોનગઢમાં ૫૮ મિ.મી., એટલે કે, રાજ્યના કુલ ૯ તાલુકાઓમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના કુલ ૧૧ તાલુકાઓમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૪૬ મિ.મી., પંચમહાલના જાંબુઘોડામાં ૪૩ મિ.મી., મહીસાગરના ખાનપુરમાં ૩૯ મિ.મી., વલસાડના ઉમરગામમાં ૩૮ મિ.મી., સુરતના ચોર્યાસીમાં ૩૬ મિ.મી., છોટાઉદેપુરના નસવાડીમાં ૩૫ મિ.મી., સુરત શહેરમાં ૩૦ મિ.મી., નવસારીના ઝલાલપોરમાં ૨૯ મિ.મી., તાપીના કુકરમુંડામાં ૨૮ મિ.મી., નવસારીમાં ૨૬ મિ.મી., અને વલસાડમાં ૨૫ મિ.મી. વરસાદ વરસ્યો છે.