સિંગલ સ્ક્રિન પર ભૂલભુલૈયા ૩, પુષ્પા ૨ અને દેવરાનો મદાર
મુંબઈ, ૨૦૨૪નું વર્ષ અડધું વિતી ચૂક્યું છે અને ઇન્ડસ્ટ્રીને કલ્કિને બાદ કરતાં કોઈ મોટી સફળ ફિલ્મોનો સ્વાદ ચાખવા મળ્યો નથી. ત્યારે બાકીના દિવસોમાં ઇન્ડસ્ટ્રીને આવનારી મોટી ફિલ્મો બ્લોક બસ્ટર રહે તેવી અપેક્ષાઓ છે. તો જેમ ઇન્ડસ્ટ્રી બ્લોક બસ્ટર ફિલ્મોની તૈયારી કરે છે તેમ તેમ તેના માટે સ્ક્રિન રોકી લેવાની હરિફાઈ પણ વધુ સઘન થતી જાય છે.
ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાની આવનારી ત્રણ મોટી – ‘દેવરા’, ‘ભૂલભૂલૈયા’ અને ‘પુષ્પા ૨’ ફિલ્મો માટે સિંગલ સ્ક્રિન થિયેટર રોકવાના શરૂ કરી દીધા છે. થડાનીએ સ્પર્ધકો સામે પોતાનો હાથ ઉપર રહી શકે અને પોતાની ફિલ્મોની સફળતા સુનિશ્ચિત કરી શકાય તે હેતુથી આ વ્યૂહાત્મક પગલાં લીધાં છે.
ઇન્ડસ્ટ્રીના અંદરના એક સૂત્રના જણાવ્યા અનુસાર,“અનિલ થડાનીનો વિચાર એવો છે કે અગાઉથી જ સ્ક્રિન રોકી લે તો તેમની ફિલ્મોને સારા શો મળે અને તેમની ફિલ્મો સારી કમાણી કરી શકે. તેમને વિશ્વાસ છે કે, આ ફિલ્મોમાં પૈસા રળી લેવાની તાકાત છે, તેથી ભારતભરમાં સારા શો મેળવવા માટે આ ફિલ્મો હકદાર છે.”
આ પ્રકારના વલણથી સારા સ્ક્રિનમાં સારા શોની તો ખાતરી થઈ જ જાય છે, સાથે ફિલ્મના એક્ઝિબિટર્સ સાથે સંબંધો પણ સુધરે છે, જેથી તેઓ આવનારા વર્ષાે સુધી તમારી ફિલ્મોને સાથ આપે છે. ‘દેવરા’ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેમાં ‘આરઆરઆર’ પછી જુનિયર એનટીઆર પહેલી વખત મોટા પડદે જોવા મળશે. આ ફિલ્મમાં જાન્હવી પણ મહત્ત્વના રોલમાં છે.
એનટીઆરના ફૅન્સ પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૩’ દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રુહ બાબા કાર્તિક આર્યન આ ફિલ્મની ઓરિજિનલ સ્ટાર વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં માધુરી દિક્ષિત અને તૃપ્તિ ડિમરી પણ છે.
ત્રણ અલગ-અલગ પેઢીની એક્ટ્રેસ સાથે કાર્તિકની ફિલ્મ માટે ઓડિયન્સ પણ ઉત્સુક છે. દર્શકોમાં સૌથી વધુ આતુરતા ‘પુષ્પા ૨’ માટે છે, જે ૬ ડિસેમ્બરે રિલીઝ થશે.
અલ્લુ અર્જુનની આ ફિલ્મમાં પણ ભરપૂર એક્શન હશે. આ રીતે અગાઉથી જ સ્ક્રિન રોકી લેવાથી ફિલ્મોને ઘણો ફાયદો થશે. સૂત્રના જણાવ્યા અનુસાર,“આ હંમેશા ઘણા લોકો માટે એક મુદ્દો રહ્યો છે. આવનારા બે વર્ષાે સુધી સતત ફિલ્મો રિલીઝ થતી રહેવાની છે, ત્યારે થિયેટરના માલિકો અને તેમનાં સંગઠનો સાથે તમારા સંબંધો મજબૂત હોય તેનો વિશેષ ફાયદો થાય છે.”
થડાનીનું આ પગલું તેમની ફિલ્મોને તો ફાયદો કરાવશે જ સાથે તે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં રહેલી હરિફાઇનું મહત્વ પણ દર્શાવે છે. આ પ્રકારની યોજનાઓના કારણે ઇન્ડસ્ટ્રીના અચ્છે દિન પાછા આવશે એવી આશા રાખી શકાય છે.SS1MS