ભોપાલ ગેસ કાંડનો ઝેરીલો 377 મેટ્રિક ટન કચરો ૪૦ વર્ષ બાદ ઉઠાવવાનું શરૂ
(એજન્સી)ભોપાલ, ૪૦ વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ૪૦ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં દબાયેલા ઝેરીલા કચરાને ખતમ કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ૩૭૭ મેટ્રિક ટન કચરો મધ્યપ્રદેશના ભોપાલથી ૨૫૦ કિલોમીટર દૂર બાળવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્લાન પ્રમાણે ઇન્દોરના પીથમપુરામાં તેને ડિસ્પોઝ કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટની ફટકાર બાદ આ કાર્યવાહી હાથ ધરી છે. એક અઠવાડિયા પહેલાં જ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સરકારને ફટકારને લગાવી હતી. હાઇકોર્ટે ભોપાલમાં ફેકટરી સાઇડથી કચરો ન હટાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, સતત નિર્દેશ આપવા છતાં પણ કચરાનો નિકાલ કેમ કરવામાં નથી આવી રહ્યો? જ્યારે આ અંગે સુપ્રીમ કોર્ટની સાથે-સાથે હાઇકોર્ટે પણ નિર્દેશ જારી કર્યો છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘નિÂષ્ક્રયતાની સ્થિતિ’ વધુ એક દુર્ઘટનાનું કારણ બની શકે છે. ઝેરીલા કચરાને ઇન્દોર લઈ જવા માટે સવારમાં જીપીએસથી સજ્જ અડધો ડઝન ટ્રક યુનિયન કાર્બાઇડ ફેક્ટરી સાઇટ પર પહોંચી હતી. તેની સાથે લીક પ્રૂફ કન્ટેનર પણ હતા. ઘટના સ્થળ પર પીપીઈ કીટ પહેરેલા કર્મચારીઓ, ભોપાલ નગર નિગમના કર્મચારીઓ, પર્યાવરણીય એજન્સીઓના લોકો, ડૉક્ટરો અને કચરાનો નિકાલ કરનારા નિષ્ણાતો પણ હાજર હતા.
ફેક્ટરીની આસપાસ પોલીસ જવાનોને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, યોજના હેઠળ ઇન્દોરના પીથમપુરામાં ઝેરી કચરાને બાળવામાં આવશે. આ વિસ્તાર રાજધાની ભોપાલથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર છે.
મધ્યપ્રદેશના ગેસ રાહત અને પુનર્વસન વિભાગના ડાયરેક્ટર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે, પીથમપુરામાં ઝેરી કચરો પહોંચાડવા માટે ૨૫૦ કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે કચરાના પરિવહન અને નિકાલની તારીખ નથી જણાવી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, ૩ જાન્યુઆરી સુધીમાં કચરો પીથમપુરા પહોંચી જશે.